શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં શુક્રવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો.આતંકી જૈશ-એ-મોહમ્મદનો હતો.તે કુલગામ-શોપિયામાં સક્રિય હતો અને અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ રહ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર શોપિયાના કાપરેન વિસ્તારમાં થયું હતું.કાપરેન ચૌધરીગુંડથી થોડા કિલોમીટર દૂર છે, જ્યાં ઓક્ટોબરમાં કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટની આતંકીઓએ ગોળી મારી હત્યા કરી દીધી હતી.સુરક્ષા દળોને આ સ્થળે કેટલાક આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.આ પછી સુરક્ષા દળોએ અહીં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારબાદ અચાનક આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો.સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.
એડીજીપી કાશ્મીરના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો આતંકી માર્યો ગયો છે.આતંકીની ઓળખ કામરાન ભાઈ ઉર્ફે હનીસ તરીકે થઈ છે.કુલગામ-શોપિયામાં તે સક્રિય હતો.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને ખતમ કરવા માટે પોલીસ અને સેના સતત ઓપરેશન ચલાવી રહી છે. આ દરમિયાન એન્કાઉન્ટરમાં ઘણા આતંકીઓ પણ માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ આ વર્ષે ઓક્ટોબર સુધીમાં 176 આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં 50 વિદેશી આતંકવાદીઓ અને 126 સ્થાનિક આતંકવાદીઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં કુલ 134 સક્રિય આતંકીઓ હાજર છે. જેમાંથી 83 વિદેશી અને 51 સ્થાનિક આતંકવાદીઓ છે.