નવી દિલ્હીઃ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે, તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા પાર્ટીના નવા અધ્યક્ષ બની શકે છે.
ફારુક અબ્દુલ્લાએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા પાછળનું કારણ ખરાબ તબિયત ગણાવ્યું છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આગામી મહિનાની 5 ડિસેમ્બરે નેશનલ કોન્ફરન્સના આગામી પાર્ટી અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે. નેશનલ કોન્ફરન્સના પાર્ટી પ્રવક્તાએ આ અંગે માહિતી આપી છે.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, હવે મારી તબિયત મને સાથ નથી આપી રહી. તેથી હવે હું પાર્ટીની જવાબદારી સંભાળવા માટે યોગ્ય નથી. જો કે, ફારુક અબ્દુલ્લાના રાજીનામાની માહિતી આપતા, પાર્ટીના પ્રવક્તા તનવીર સાદિકે પુષ્ટિ કરી. માનવામાં આવે છે કે ફારુક અબ્દુલ્લાના અધ્યક્ષ પદ છોડ્યા બાદ તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા પાર્ટીના અધ્યક્ષ બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કર્યાં બાદ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની સ્થાપના કરવામાં આવી છે. વિધાનસભા સાથેના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે.