નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે, પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહ્યું હોવાથી ભારતે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન સાથે સંવાદ પણ બંધ કર્યો છે અને જ્યાં સુધી આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપવાનું બંધ કરે પછી જ વાતચીત કરવાનો નિર્ણય લીધો છે. દરમિયાન નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરમાં બની રહેલી આતંકવાદી ઘટનાઓ મુદ્દે કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ કર્યાં હતા. આ ઉપરાંત તેમનો પાકિસ્તાન પ્રેમ ફરીથી છલકાયો છે. તેમજ આતંકવાદ મુદ્દે પાકિસ્તાન સાથે વાતચીત કરવા સૂચન કર્યું હતું.
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં પહેલાની સરખામણીએ ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ તેનો સંપૂર્ણપણે અંત ક્યારે આવશે તે કહેવું અઘરૂં છે. ઘાટીમાં દરરોજ કોઈને કોઈ આતંકવાદી ઘટનાઓ નોંધાતી રહે છે. ત્યારે ફારૂક અબ્દુલ્લાએ આતંકવાદની સમાપ્તિ અંગે એક નિવેદન આપ્યું છે. તેમના કહેવા પ્રમાણે જ્યાં સુધી સરકાર ઘાટીના લોકોનું દિલ નહીં જીતી લે અને પાકિસ્તાન સાથે વાત કરીને સમાધાન નહીં કાઢે ત્યાં સુધી કાશ્મીરમાં આતંકવાદનો અંત નહીં આવે.
શ્રીનગરના લોકસભા સાંસદ અબ્દુલ્લાએ આતંકવાદીઓએ એક પોલીસકર્મીની હત્યા કરી હતી તે અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી કાશ્મીર મુદ્દાનું સમાધાન નહીં આવે ત્યાં સુધી લોકો મરતા રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. તેમજ અત્યાર સુધીમાં અનેક આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં છે. તેમજ મોટી સંખ્યામાં આતંકવાદીઓને ઝડપી લીધા છે.