જમ્મુ-કાશ્મીરઃ પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને સરકારી બંગલો ખાલી કરવા નોટિસ અપાઈ
નવી દિલ્હીઃ પીડીપી પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને શ્રીનગરના ગુપકરમાં આવેલો સરકારી બંગલો ખાલી કરવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા આ નોટિસ મોકલવામાં આવી છે.
આ અંગે મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા તેમને સરકારી બંગલો ફેર વ્યૂ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આ આશ્ચર્યજનક નથી અને તે વર્તમાન વહીવટીતંત્ર પાસેથી અપેક્ષિત છે. તેમણે કહ્યું કે નોટિસમાં ઉલ્લેખ છે કે બંગલો જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી માટે છે, પરંતુ એવું નથી.
મહેબૂબા મુફ્તીએ કહ્યું, ‘આ જગ્યા મારા પિતા (મુફ્તી મોહમ્મદ સઈદ)ને ડિસેમ્બર 2005માં ફાળવવામાં આવી હતી, જ્યારે તેમણે મુખ્યમંત્રી પદ છોડ્યું હતું. આથી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલા આધારો યોગ્ય નથી. પૂછવામાં આવ્યું કે શું તે નોટિસને કોર્ટમાં પડકારશે, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડાએ કહ્યું કે તે તેની કાનૂની ટીમની સલાહ લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરાયાં બાદ આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે કેન્દ્ર સરકારે આભિયાન શરૂ કર્યું છે. એટલું જ કાશ્મીરના અલગાવવાદી નેતાઓ સામે પણ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.
(PHOTO-FILE)