જમ્મુ-કાશ્મીરઃ પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને કરાયા નજરકેદ, તેમના ભાઈને ED ની નોટિસ
દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ કેસમાં જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના ભાઈ તસદ્દુક હુસૈન મુફ્તીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. મુફ્તી કેબિનેટમાં પર્યટન મંત્રી રહેલા તસદ્દુક હુસૈનને તેમનું નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું છે. બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ નજરકેદ કરવામાં આવ્યા છે.
તસદ્દુક હુસૈનને ED દ્વારા તપાસ અધિકારી સમક્ષ હાજર થવા અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ તેમનું નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે તપાસ કાશ્મીરના કેટલાક વ્યવસાયો પાસેથી કથિત રીતે તેમના ખાતામાં મળેલા કેટલાક પૈસા સાથે સંબંધિત છે.મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આ તેમની વિરુદ્ધ રાજકીય બદલો લેવાનું ષડયંત્ર છે. જ્યારે પણ હું કોઈ ગેરરીતિ સામે અવાજ ઉઠાવું છું, ત્યારે મારા પરિવારના કોઈ સભ્ય માટે સમન્સની રાહ જોવાતી હોય છે, આ વખતે મારા ભાઈનો વારો છે. મહેબૂબા મુફ્તીએ વધુમાં કહ્યું કે, શ્રીનગર શહેરની બહારના ભાગમાં નિર્દોષ નાગરિકોની હત્યાનો વિરોધ કરી રહી છે. શહેરની બહાર સેના અને પોલીસ દ્વારા ચાર લોકો માર્યા ગયા.