દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદી હુમલામાં સુરક્ષાદળના બે જવાન ઘાયલ થયાં હતા. આતંકવાદીઓએ આ હુમલો શ્રીનગરના હરીસિંહ હાઈ સ્ટ્રીટમાં કર્યો હતો. સુરક્ષાદળના જવાનો બપોરના સમયે શ્રીનગર અમીરાકદલ વિસ્તારમાં ડ્યુટી કરતા હતા. ત્યારે હરીસિંહ હાઈ સ્ટ્રીટ વિસ્તારમાં આતંકવાદીઓને સુરક્ષાદળોની પોસ્ટ ઉપર ગ્રેનેડ ફેંક્યો હતો. જો કે, તેમનું નિશાન ચુક્યું હતું અને બોમ્બ પોસ્ટ પહેલા જ રસ્તા ઉપર ફુટ્યો હતો. આ હુમલામાં 9 સ્થાનિક અને 2 સુરક્ષા જવાનો ઈજાગ્રસ્ત થયાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદી હુમલામાં ઘવાયેલા જવાનોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. તેમજ હુમલાખોરોને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓને ઝડપી લેવા માટે સર્ચ ઓપરેશન આરંભ્યું છે.
સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો મળીને આતંકવાદીઓ સામે અભિયાન શરૂ કર્યું છે. ભારતીય સેનાની સખત કાર્યવાહીને પગલે પીઓકેમાંથી કાશ્મીરમાં આવતા હથિયારો અને નાણાની હેરાફેરી પણ અટકી છે. જેથી આતંકવાદીઓ અને તેમના સમર્થકો અકળાયાં છે. જેથી સંતાઈને જવાનો ઉપર હુમલો કરીને ભાગી જવાની રણનીતિ આતંકવાદીઓ અપનાવી રહ્યાં છે.