જમ્મુ-કાશ્મીરઃ યાસીન મલિકના સમર્થનમાં કટ્ટરપંથીઓએ સુરક્ષા જવાનો ઉપર કર્યો પથ્થરમારો
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને દિલ્હીની વિશેષ અદાલતે આતંકવાદી પ્રવૃતિ અને ટેરર ફંન્ડીગ મામલે આજીવન કેદની સજા ફરમાવી હતી. કોર્ટની કાર્યવાહીને પગલે જમ્મુ-કાશ્મીરમાં યાસીન મલિકના ઘરની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ ડ્રોન મારફતે નજર રાખી રહી હતી. દરમિયાન કેટલાક તોફાની તત્વો યાસિનના સમર્થનમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. તેમજ સુરક્ષા એજન્સીઓના જવાનો ઉપર પથ્થરમારો કર્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે ટીયર ગેસના શેલ છોડ્યાં હતા. તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર યાસીન મલિકના સમર્થનમાં કેટલાક કટ્ટરપંથીઓએ શ્રીનગરમાં બંધ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. શ્રીનગરનો કેટલાક વિસ્તાર બંધ રહ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, લાલ ચોકની કેટલીક દુકાનો સહિત મૈસૂમા અને તેની આસપાસના વિસ્તારમાં મોટાભાગના વિસ્તારમાં લોકોએ વેપાર-ધંધા બંધ રાખ્યાં હતા. દરમિયાન યાસીન મલિકના ઘર પાસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દરમિયાન કેટલાક તોફાનીઓ યાસીન મલિકના ઘર પાસે એકત્ર થયા હતા અને સુત્રોચ્ચાર કરીને ભારે પથ્થર મારો કર્યો હતો. જો કે, પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સુરક્ષામાં વધારો કર્યો છે. યાસીન મલિકને આજીવન કેદની સજાના આદેશના પગલે સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલીંગમાં વધારો કરવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા યાસીનના સમર્થકો ઉપર નજર રાખી રહ્યી છે.