નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના સીમાકંન લઈને સીમાંકન પંચે પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારેને સોંપ્યો છે. આ અહેવાલ અનુસાર હવે વિધાનસભામાં જમ્મુનું વર્ચસ્વ વધશે જ્યારે ઘાટીનું વર્ચસ્વ ઘટશે. જ્યારે લોકસભા બેઠકોમાં જમ્મુ-કાશ્મીરને સમાન મહત્વ આપવાનો પ્રયાસ કરાયો છે. આ સીમાકંન ભાજપને ફાયદાકારક હોવાના આક્ષેપ સાથે જમ્મુ-કાશ્મીરના મોટાભાગના રાજકીય પક્ષોએ વિરોધ કરી રહ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, સીમાંકન આયોગ પાસે પોતાનો કોઈ સ્ટાફ નથી, તે સમગ્ર કવાયત માટે ચૂંટણી પંચના કર્મચારીઓ પર નિર્ભર છે. જમ્મુ અને કાશ્મીર માટે માર્ચ 2020માં સીમાંકન આયોગની રચના કરવામાં આવી હતી. ગયા વર્ષે તેને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. સીમાંકન પંચના અધ્યક્ષ જસ્ટિસ (નિવૃત્ત) રંજના પ્રકાશ દેસાઈ છે. તેમના સિવાય મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી કમિશનર કેકે શર્માનો સમાવેશ થાય છે. કોરોના મહામારી છતાં પંચે 2 વર્ષ અને 2 મહિનામાં પોતાનો અંતિમ રિપોર્ટ આપી દીધો છે. જ્યારે 1995નું સીમાંકન 7 વર્ષ સુધી ચાલ્યું હતું.
જમ્મુ અને કાશ્મીરનું સીમાંકન દેશના અન્ય ભાગોથી અલગ હતું. લોકસભા બેઠકો માટે સીમાંકન ભારતના બંધારણ અનુસાર કરવામાં આવ્યું હતું, જ્યારે જમ્મુ અને કાશ્મીરના બંધારણ હેઠળની વિધાનસભા બેઠકો માટે ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર પ્રતિનિધિત્વ અધિનિયમ 1957 હેઠળ કામગીરી થતી હતી. જો કે, હવે રાજ્યનો વિશેષ દરજ્જો પરત લઈ લેવાતા સીમાંકનની સમગ્ર કવાયત ભારતના બંધારણ મુજબ કરવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીર માટે સીમાંકન આયોગની રચના સૌપ્રથમ 1952માં કરવામાં આવી હતી. જે બાદ તેને 1963, 1973 અને 2002માં બનાવવામાં આવી હતી. અંતિમવાર 1995માં 22 વર્ષ બાદ રાજ્યનું છેલ્લીવાર સીમાંકન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પંચના અધ્યક્ષ જસ્ટિસ (નિવૃત્ત) કેકે ગુપ્તા હતા.
2002માં જમ્મુ અને કાશ્મીર માટે સીમાંકન થવાનું હતું. આનો આધાર 1981ની વસ્તીગણતરીનો ડેટા હતો. પરંતુ ફારુક અબ્દુલ્લાની આગેવાની હેઠળની જમ્મુ અને કાશ્મીરની તત્કાલીન નેશનલ કોન્ફરન્સ સરકારે 2026 સુધી સીમાંકન પર પ્રતિબંધ મૂક્યો હતો. આ માટે અબ્દુલ્લા સરકારે જમ્મુ અને કાશ્મીરના લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ અને જમ્મુ અને કાશ્મીરના બંધારણની કલમમાં સુધારો કર્યો હતો. જેથી વિવાદ સર્જાયો હતો. અબ્દુલ્લા સરકારના આ પગલાને વિધાનસભામાં જમ્મુ કરતા કાશ્મીરને વધુ શક્તિશાળી રાખવાની કવાયત તરીકે જોવામાં આવી હતી. હવે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થતાં, તેના અલગ બંધારણ અને નિયમોનું અસ્તિત્વ રહ્યું નથી. જેથી રાજ્યમાં નવીનતમ સીમાંકન જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવ્યું છે.