નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. નેશનલ કોન્ફરન્સ તરફથી સિંહાને મળેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ઓમર અબ્દુલ્લાને સર્વસંમતિથી વિધાનસભામાં પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ પછી લેફ્ટનન્ટ ગવર્નરે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ આપ્યું હતું. લેફ્ટનન્ટ ગવર્નરના મેસેન્જરે ગઈ કાલે મિસ્ટર અબ્દુલ્લાને શપથ ગ્રહણ સમારોહની તારીખ અને સમય વિશે માહિતી આપતો પત્ર સોંપ્યો હતો. આવતીકાલે સવારે શ્રીનગરમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 90 બેઠકો ઉપર તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ 8મી ઓક્ટોબરના રોજ જાહેર થયાં હતા. જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી ચૂંટણીમાં સૌથી મોટાપક્ષ તરીકે નેશનલ કોન્ફરન્સ ઉભરી આવી હતી. આ ચૂંટણીમાં ઈન્ડી ગઠબંધનના સભ્ય નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસને 48 બેઠકો મળી હતી. જ્યારે ભાજપાને માત્ર 28 બેઠકો મળી હતી. અન્ય કેટલાક અપક્ષોએ ઈન્ડિ ગઠબંધનને સમર્થન આપ્યું છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ નવા સીએમ તરીકે ઓમર અબ્દુલ્લાની પસંદગી કરવામાં આવી હતી.