નવી દિલ્હીઃ 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર અને હિજરત પર આધારિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની સફળતા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે એક વીડિયો જાહેર કર્યો છે. આ વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, તમામ કાશ્મીરીઓને ભલે તે કોઈપણ ધર્મના હોય, આતંકવાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વીડિયો 57 સેકન્ડનો છે અને તેને ‘ધ અનટોલ્ડ કાશ્મીર ફાઇલ્સ’ નામ આપવામાં આવ્યું છે. આ ક્લિપમાં આતંકવાદના યુગને દર્શાવતા ઘણા દ્રશ્યો છે. વીડિયોની પૃષ્ઠભૂમિમાં ફૈઝ અહેમદ ફૈઝની કવિતા ‘હમ દેખેંગે’ સંભળાય છે જેનો ઉપયોગ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં પણ કરવામાં આવ્યો હતો.
— J&K Police (@JmuKmrPolice) March 31, 2022
વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, ‘આતંકવાદીઓ SPO ઈશ્ફાક અહેમદના ઘરમાં ઘૂસી ગયા અને તેમના ભાઈ ઉમર જાન સાથે તેમની હત્યા કરી નાખી. શાંતિનું સમર્થન કરનારા આવા અનેક કાશ્મીરીઓ માર્યા ગયા. અન્ય એક ફ્રેમમાં લખ્યું છે કે, “કાશ્મીરમાં નિશાન બનાવીને 20 હજાર લોકો માર્યા ગયા. અમારો અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.” વીડિયોના અંતમાં લખ્યું છે કે, અમે કાશ્મીર છીએ, જમ્મુ અને કાશ્મીર પોલીસે 31 માર્ચે ટ્વિટર પર આ વીડિયો જાહેર કર્યો હતો, જેને અત્યાર સુધીમાં 1.66 લાખ લોકો જોઈ ચૂક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં સુરક્ષા એજન્સીઓએ અનેક આતંકવાદીઓને ઝડપી લીધા છે અને સુરક્ષા એજન્સીઓ સાથેની અથડામણમાં અનેક આતંકવાદીઓ ઠાર મરાયાં છે.