જમ્મુ-કાશ્મીરઃ ટાર્ગેટ કિલીંગની ઘટનાઓ અટકાવા સુરક્ષા એજન્સીઓએ બનાવ્યો એકશન પ્લાન
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જમ્મુ-કાશ્મીરમાં અનેક એજન્સીઓ અને સુરક્ષા દળોએ નાગરિકોની સુરક્ષા માટે કવાયત શરૂ કરી છે. ગયા વર્ષે ઓક્ટોબરથી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના આંકડામાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ને નાગરિકોની હત્યાના મોટા કાવતરાની તપાસ કરવાની જવાબદારી સોંપી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર ઘણી એજન્સીઓ અને સુરક્ષા દળોએ આવા નાગરિકોની ઓળખ કરવાનું કામ શરૂ કરી દીધું છે જેઓ આતંકવાદીઓના નિશાના પર હોઈ શકે છે. આ સાથે તેમની સુરક્ષા માટે એક પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જમીની સ્તરે માહિતી એકત્ર કરવા માટે વિવિધ એજન્સીઓના અધિકારીઓએ કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત પણ લીધી હતી.
એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, “મીટિંગમાં ટાર્ગેટ કિલિંગ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને પેટર્ન, ડેટા અને અન્ય માહિતીનું વિશ્લેષણ કરીને સંભવિત લક્ષ્યોને ઓળખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ સંદર્ભમાં સૂચનાઓ આપવામાં આવી હતી.” ગુપ્તચર એજન્સીઓને ગ્રાઉન્ડ લેવલ ઈન્ટેલિજન્સ આપવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત, સ્થાનિક વહીવટીતંત્રને આ સંભવિત લક્ષ્યોને સુરક્ષિત રાખવા માટે એક યોજના તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર, એવું જાણવા મળ્યું છે કે સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા જોખમી વિસ્તારો અને લોકોની ઓળખ કર્યા પછી, કેન્દ્રીય દળોને તેમને સુરક્ષા આપવા માટે કહેવામાં આવશે. દરેક વ્યક્તિને સુરક્ષા પૂરી પાડવી શક્ય નથી. તેથી એજન્સીઓ અલગ-અલગ એક્શન પ્લાન પર કામ કરી રહી છે.
ત્રણ અઠવાડિયા પહેલા દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના ચોટીગામ વિસ્તારમાં એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં તેના ભાઈને ઈજા થઈ હતી. જુલાઈમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે 2019માં કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા બાદથી 118 નાગરિકોના મોત થયા છે.