નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવાયા બાદ સુરક્ષા એજન્સીઓએ એન્કાઉન્ટરમાં 439 આતંકવાદીઓને ઠાર માર્યાં છે. જ્યારે આતંકવાદીઓના હુમલામાં 109 જેટલા સુરક્ષા જવાનો શહીદ થયાં હોવાનું જાણવા મળે છે.
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટ્યા બાદ આતંકવાદી ઘટનાઓ અંગે રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટ્યા બાદ કુલ 439 આતંકીઓ માર્યા ગયા છે. આ ઘટનાઓમાં નાગરિકો અને સુરક્ષાદળોના પણ મૃત્યુ થયા છે. આ દરમિયાન 98 નાગરિક અને 109 સુરક્ષાકર્મી પણ શહીદ થયા છે. આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં કુલ 541 આતંકવાદી ઘટનાઓ થઈ છે. સરકારે જણાવ્યું કે, ભારતમાં કુલ 42 સંગઠનો એવા છે, જેને આતંકી સંગઠન તરીકે લિસ્ટ કરવામાં આવ્યા છે. તો 31 એવા લોકો છે, જેને યૂએપીએ હેઠળ આતંકવાદી તરીકે ચિન્હિત કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યાં બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યોની સ્થાપના કરાઈ હતી. આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે.