Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ કાશ્મીરીઓને રાજ્ય બહાર હાંકી કાઢવાનું આતંકવાદીઓનું સુનિયોજીત કાવતરું

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનામાં વધારો થયો છે. સુરક્ષા ઓજન્સીઓએ આતંકવાદીઓ અને આતંકવાદી પ્રવૃતિ સામે શરૂ કરેલી કાર્યવાહીને પગલે આતંકવાદીઓમાં ભય ફેલાયો છે. તેમજ પોતાની હાજરી દર્શાવવા અને લોકોમાં ભય યથાવત રાખવા માટે આતંકવાદીઓ ટાર્ગેટ કિલીંગની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. કાશ્મીરીઓને રાજ્યની બહાર હાંકી કાઢવાના ઈરાદે આતંકવાદીઓ સુનિયોજીત કાવતરુ ઘડીને નિર્દોશ નાગરિકોને નિશાન બનાવી રહ્યાં હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહએ જણાવ્યું હતું કે, સમાજના વિવિધ વર્ગો પર હુમલો કરીને આતંકવાદીઓ માત્ર પોતાની હાજરીનો અહેસાસ કરાવવા માંગે છે. આતંકવાદીઓ એવા લોકોને નિશાન બનાવી રહ્યા છે જેઓ ઘાટીમાં રહીને આતંકવાદ સામે અવાજ ઉઠાવી રહ્યાં છે. આતંકવાદીઓ કાશ્મીરીઓને રાજ્યમાંથી હાંકી કાઢવાના સુનિયોજિત કાવતરાના ભાગરૂપે હુમલો કરી રહ્યા છે.

પોલીસે કહ્યું હતું કે આતંકવાદીઓ તેમની સામે કડક કાર્યવાહીથી હચમચી ઉઠ્યાં છે. ટાર્ગેટ કિલિંગના વધતા જતા મામલા પાછળનું કારણ મોટી સંખ્યામાં આતંકવાદીઓનો ખાત્મો છે, ખાસ કરીને તેમનું નેતૃત્વ અને તેમના સમર્થન માળખાને તોડી પાડવામાં આવ્યું છે. આતંકવાદીઓ હતાશ થઈ ગયા છે અને નિઃશસ્ત્ર પોલીસ કર્મચારીઓ, નિર્દોષ નાગરિકો, રાજકારણીઓ અને હવે મહિલાઓ સહિત લઘુમતી સમુદાયોના નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવા માટે તેમની વ્યૂહરચના બદલી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કર્યાં બાદ આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. યાસીન મલિક સહિતના અલગાવવાદી નેતાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.