જમ્મુ-કાશ્મીરઃ આર્મી બેઝ પાસે આતંકવાદીઓએ કર્યો હુમલો, એક જવાન ઘાયલ
- આતંકવાદી હુમલા બાદ આર્મીએ શરુ કર્યું ઓપરેશન
- આર્મી અને પોલીસે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના સુજવાં આર્મી બેઝ પાસે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારની ઘટનામાં એક જવાન ઘાયલો થયો હતો. જેના જવાબમાં ભારતીય આર્મીએ કાર્યવાહી શરૂ કરી હતી. આર્મીએ સમગ્ર વિસ્તારને ઘેરીને ઓપરેશન શરૂ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુના સુજવાં આર્મી બેઝ પર તૈનાત 36 ઈન્ફેંટ્રી બ્રિગેડને આતંકવાદીઓએ નિશાન બનાવ્યું હતું. તેમજ બેઝ પાસે તૈનાત ભારતીય જવાનને ગોળીઓ મારી હતી. આ બનાવને પગલે નાસભાગ મચી ગઈ હતી. બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓ વધારે સાબદા બની હતી. તેમજ સમગ્ર વિસ્તારને ચારેય તરફથી ઘેરી લીધું હતું. લશ્કરના જવાનો અને પોલીસે સમગ્ર વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ બનાવને પગલે બેઝ ઉપર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી સક્રિય બન્યાં છે એટલું જ નહીં ભારતીય સુરક્ષા જવાનોને નિશાન બનાવી રહ્યાં છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. સરકારે પણ સુરક્ષા એજન્સીઓને આતંકવાદને ખતમ કરવા માટે છુટોદોર આપ્યો હોવાનું જાણવા મળે છે.