- જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો
- બે જવાનો થયા શહીદ
- ત્રણ નાગરિકોએ ગુમાવ્યો જીવ
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકવાદી હુમલો થયો. આ હુમલામાં ભારતીય સેનાના બે જવાન શહીદ થયા છે તો અન્ય ત્રણ નાગરિકના પણ મોત થયા છે. આતંકવાદીઓ દ્વારા પોલીસ અને સીઆરપીએફની ટીમને નિશાન બનાવાવમાં આવી હતી અને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો..
આ ઘટનામાં અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજા પણ પહોંચી છે. જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિદેશક (ડીજીપી) દિલબાગ સિંહે કહ્યું હતું કે, સોપોરમાં સલામતી દળો પર થયેલા હુમલામાં લશ્કર-એ-તોઈબાનો હાથ છે. હુમલાખોર આતંકીઓને ઓળખી લેવાયા છે.
આતંકવાદીઓ હુમલો કરીને ભાગી ગયા હતા અને હવે તેમને પકડવા માટે સેના દ્વારા સંપૂર્ણ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
હુમલામાં માર્યા ગયેલા બે પોલીસ કોન્સ્ટેબલ્સને શ્રદ્ધાંજલી આપતાં ડીજીપી દીલબાગ સિંહે જણાવ્યું કે, કાવતરાંખોરોને ઓળખી લેવાયા છે અને ટૂંક સમયમાં તેમને જેલના સળીયા પાછળ ધકેલી દેવાશે. તેમણે ઉમેર્યું હતું કે સોપોર પોલીસ સ્ટેશનની ટીમ કોરોનાની ફરજમાં હતી ત્યારે તેના પર આતંકીઓએ હુમલો કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયમાં આતંકી હુમલાઓનું પ્રમાણ વધ્યું હોવાના અહેવાલોને નકારી કાઢતાં તેમણે કહ્યું કે, હકીકતમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ઘટયો છે. પોલીસ અને અન્ય સલામતી દળો આ વિસ્તારો પર સારું નિયંત્રણ ધરાવે છે. જોકે, પાકિસ્તાન દ્વારા તાજેતરના સમયમાં ડ્રોન મારફત ભારતમાં શસ્ત્રો ઘૂસાડવામાં આવતાં સૈન્યને એલર્ટ કરાયું છે.