નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાને લઈને સુરક્ષામાં વધારો કર્યો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદીઓ સામે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન પોલીસે બે હાઈબ્રિડ આતંકવાદીઓને ઝડપી લીધા હતા. તેમજ તેમની ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી હતી. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આરોપીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ અને કાશ્મીર પોલીસને સોમવારે એક મોટી સફળતા મળી જ્યારે તેણે લશ્કર-એ-તૈયબાના બે સ્થાનિક હાઈબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો. આતંકવાદીઓની ધરપકડ કર્યા પછી, પોલીસે જણાવ્યું હતું કે, હાઈબ્રિડ આતંકવાદીઓ તે છે જેઓ ઉગ્રવાદી તરીકે સૂચિબદ્ધ નથી, પરંતુ આતંકવાદી હુમલો કરવા માટે પૂરતા કટ્ટરપંથી છે અને પછી નિયમિત જીવનમાં પાછા ફરે છે.
આ પહેલા રવિવારે ભારતીય સેનાએ અખનૂરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીકથી એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અન્ય એક ભાગવામાં સફળ થયો છે, જેના માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ભારતીય સૈન્યના જવાનોએ દિગિયાલ ગામમાં બે શંકાસ્પદ વ્યક્તિઓને જોયા હતા. આના પર કાર્યવાહી કરતા સેનાએ એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં અનેક આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યાં છે. જ્યારે અનેક આતંકવાદીઓને જીવતા ઝડપી લેવામાં સફળતા મળી છે.
(Photo-File)