Site icon Revoi.in

મૌલવીએ આર્મી કેમ્પ અને અધિકારીઓની મુવમેન્ટની માહિતી પાકિસ્તાનને મોકલી હતી

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ભારતીય સેનાને ફરી એકવાર મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં રહીને પાડોશી દેશ પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવા બદલ એક મૌલવીની ધરપકડ કરી છે. સેનાએ કિશ્તવાડ વિસ્તારમાં 22 વર્ષીય મૌલવી અબ્દુલ વાહિદને બાતમી મળ્યા બાદ પકડી પાડ્યો હતો. તેની પ્રાથમિક તપાસમાં પાકિસ્તાન માટે જાસુસીની કબુલાત કરી છે. સુરક્ષી એજન્સીઓની વધુ તપાસમાં અન્ય ખુલાસા થવાની શકયતા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અબ્દુલ વાહિદ પાકિસ્તાનના આતંકી સંગઠન કાશ્મીરી જાનબાઝ ફોર્સ માટે કામ કરતો હતો. અબ્દુલ વાહિદનું કામ કિશ્તવાડમાં રહીને સેના અને પ્રશાસન સાથે જોડાયેલી ગુપ્ત માહિતી એકઠી કરીને તેને પાકિસ્તાન લાવવાનું હતું. આ સિવાય તે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના પણ સંપર્કમાં હતો. મૌલવી અબ્દુલ વાહિદની ધરપકડ બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે અને તેના અન્ય ઠેકાણાઓ પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

મિલિટરી ઈન્ટેલિજન્સ અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન બાદ 22 વર્ષીય મૌલવીની ધરપકડ કરાઈ હતી. આરોપી અબ્દુલ વાહિદ કિશ્તવાડ સ્થિત એક મસ્જિદમાં ભણાવતો હતો. મૌલવીએ સેનાની પૂછપરછમાં કબૂલાત કરી છે કે, તે કિશ્તવાડથી સેના સાથે જોડાયેલી ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો.

પોલીસે કહ્યું કે મૌલવી અબ્દુલ વાહિદ પર કિશ્તવાડમાં આર્મી કેમ્પ અને સૈન્ય અધિકારીઓની મુવમેન્ટની જાણકારી પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી આકાઓને મોકલતો હતો. સુરક્ષા એજન્સીઓએ તેની ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી છે અને તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.