Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર:કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકીનો ઠાર

Social Share

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં મંગળવારે વહેલી સવારે આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ થઈ હતી. લગભગ 5 કલાક બાદ એક આતંકી ઘટનાસ્થળે જ માર્યો ગયો છે. જોકે,આ ઘટનામાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન ઘાયલ થયો છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, કુલગામ જિલ્લાના હુવરા ગામમાં એન્કાઉન્ટર થયું છે. અહીં આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર હતા. સુરક્ષા દળોએ સ્થળને કોર્ડન કરી લીધું હતું. આ એન્કાઉન્ટરમાં એક પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો. બાદમાં એક સ્થાનિક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. આ આતંકવાદીની ઓળખ થઈ શકી નથી. તેની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળેથી હથિયારો અને દારૂગોળો સહિતની વાંધાજનક સામગ્રી મળી આવી છે. આસપાસ શોધ ચાલુ છે.

આ પહેલા 2 જૂને જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષાદળોનું આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો હતો. એન્કાઉન્ટરની આ ઘટના રાજૌરી જિલ્લાના દસલ ફોરેસ્ટ વિસ્તારના દસલ ગુજરાનની છે. હકીકતમાં, 1-2 જૂનની રાત્રે, સુરક્ષા દળોને દસલ ગુજરાન વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ સુરક્ષા દળો અને જમ્મુ કાશ્મીર પોલીસની ટીમ વિસ્તારમાં પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

જ્યારે સુરક્ષા દળોની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે એક જગ્યાએ છુપાયેલા આતંકીઓએ ટીમ પર ગોળીબાર કર્યો હતો. 31 મેના રોજ પણ સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના સહયોગી સંગઠનના બે આતંકવાદીઓને દારૂગોળો અને હથિયારો સાથે ધરપકડ કરી હતી.