Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર: ગગનગીર હુમલાના CCTV ફૂટેજ સામે આવ્યા, હાથમાં રાઈફલ સાથે આતંકવાદી દેખાયો

Social Share

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના ગગનગીરમાં આતંકવાદી હુમલામાં સામેલ એક આતંકવાદીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં તે કાશ્મીરી પોશાક ‘ફેરન’ પહેરેલો અને હાથમાં એકે-રાઈફલ લઈને જોવા મળે છે, પરંતુ તપાસકર્તાઓએ કહ્યું છે કે 20 ઓક્ટોબરે થયેલા હુમલામાં આ આતંકવાદી સામેલ હતો કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

જમ્મુ કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગીર જિલ્લામાં રવિવારે એક સુરંગ નિર્માણ સ્થળ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક ડૉક્ટર અને છ મજૂરોના મોત થયા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, આતંકવાદી એક ઝૂંપડીમાં ઘૂસતો જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે એવું માનવામાં આવે છે કે આ એ જ ઝૂંપડી છે જે ગગનગીર ટનલ કન્સ્ટ્રક્શન સાઇટની નજીક છે.

સૂત્રોએ જણાવ્યું કે, સુરક્ષા અધિકારીઓ વિવિધ પાસાઓના આધારે ફૂટેજની સત્યતા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજના ઉપરના જમણા ખૂણામાં ’27 જાન્યુઆરી’ લખેલું છે, જો કે આ કોઈ સેટિંગ અથવા ટેકનિકલ સમસ્યાને કારણે હોઈ શકે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, સીસીટીવી કેમેરાના ફુટેજમાં આતંકવાદીના હાથમાં જે રાઈફલ દેખાઈ છે તેના આગળના છેડે વાદળી રંગનું નિશાન છે. સૂત્રોએ જણાવ્યું કે પીર પંજાલ ક્ષેત્રમાં સુરક્ષા દળો પર હુમલામાં આતંકવાદીઓએ આ પ્રકારની રાઈફલનો ઉપયોગ કર્યો હતો. પીર પંજાલ ગગનગીરથી લગભગ 200 કિલોમીટર દૂર છે.

તેમણે કહ્યું કે સીસીટીવીમાં દેખાતા આતંકવાદીએ પોતાનો ચહેરો ઢાંક્યો ન હતો જ્યારે હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે હુમલાખોરોએ તેમના ચહેરા ઢાંક્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓ પર ટિપ્પણી કરવી ખૂબ જ વહેલું છે, કારણ કે તે કેસની તપાસને અસર કરી શકે છે.