Site icon Revoi.in

કાશ્મીર: તંગધારમાં ફાયરિંગ, પાકિસ્તાનના 2 સૈનિકો ઠાર, 1 ભારતીય જવાન શહીદ

Social Share

પાકિસ્તાને મંગળવારે સતત ત્રીજા દિવસે શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના તંગધારમાં પાકિસ્તાન તરફથી મોર્ટાર શેલિંગ થઈ રહ્યું છે. ભારત તેનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાનના ફાયરિંગમાં એક ભારતીય જવાનના શહીદ થવાના અહેવાલ છે. સેનાના સૂત્રો મુજબ, ભારતીય સુરક્ષા દળોએ જવાબી ફાયરિંગમાં પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર માર્યા છે.

પાકિસ્તાન સીમા પર પોતાની નાપાક હરકતો બંધ કરી રહ્યું નથી. આના પહેલા રવિવારે અને સોમવારે પણ પાકિસ્તાન તરફથી મોર્ટાર શેલિંગ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના ફાયરિંગમાં રવિવારે 10 દિવસના એક નવજાત શિશુનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીરપણે ઘાયલ થયા હતા.

પાકિસ્તાની સેનાએ સંઘર્ષ વિરામનો ભંગ કરીને એલઓસીના શાહપુર અને સૌજિયાં સેક્ટરોમાં ફાયરિંગ કર્યું હતું. તેનો ભારતીય સેનાએ આકરો જવાબ આપ્યો હતો. પુંછ જિલ્લામાં રવિવારે નિયંત્રણ રેખા પર ભારતીય અને પાકિસ્તાની સેનાઓ વચ્ચે ભીષણ ફાયરિંગ થયું હતું. પાકિસ્તાન દ્વારા ત્યારે કારણ વગર પહેલા ફાયરિંગ કરાયું હતું.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યુ છે કે પાકિસ્તાને સાંજે લગભગ પાંચ વાગ્યે નાના હથિયારો અને મોર્ટાર દ્વારા નિયંત્રણ રેખા પર પુંછના શાહપુર અને સૌજિયાં સેક્ટરમાં ફાયરિંગ કરીને સંઘર્ષવિરામનો ભંગ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ભારતીય સેના આનો જડબાતોડ જવાબ આપી રહી છે. કુપવાડા જિલ્લામાં પાકિસ્તાનના સંઘર્ષવિરામ ભંગમાં શનિવારે માછિલ સેક્ટરમાં એક ભારતીય સૈનિક શહીદ થયો હતો.