નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ડીજી જેલ હેમંત કુમાર લોહિયાની ઘાતકી હત્યા કેસમાં આતંકવાદી સંગઠનની સંડોવણી સામે આવી છે. આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ ડીજી લોહિયાની કાયરતાપૂર્ણ હત્યાની જવાબદારી લીધી છે. કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી સંગઠને જમ્મુના ઉદાઈવાલામાં ડીજી જેલને માર્યાનો દાવો કરતા કહ્યું કે આ હુમલો કરીને તેમણે બતાવ્યું છે કે તેઓ જ્યારે ઈચ્છે ત્યારે, જ્યાં ઈચ્છે ત્યાં હુમલો કરી શકે છે.
PAFFના પ્રવક્તા તનેવર અહેમદ રાથેરે આ સંદર્ભમાં દાવો કર્યો હતો. તેમણે જણાવ્યા અનુસાર કે, આટલી કડક સુરક્ષા છતાં જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ગૃહમંત્રી અમિત શાહ માટે આ એક નાનકડી ભેટ છે. PAFFએ લખ્યું છે કે, તેમની વિશેષ ટુકડીએ ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું. કાશ્મીર ખીણમાં તાજેતરમાં સક્રિય આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટે દાવો કર્યો છે કે તેઓ ભવિષ્યમાં પણ આવા આતંકવાદી કૃત્યો કરવાનું ચાલુ રાખશે.
1992 બેચના IPS ઓફિસર 57 વર્ષીય હેમંત કુમાર લોહિયા આ વર્ષે ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરના ડીજી જેલ બન્યા હતા. જે ઘરમાં તેમની હત્યા કરવામાં આવી હતી તે ઘર તેના મિત્ર રાજીવ ખજુરિયાનું છે. તેઓ તેમના પરિવાર અને નાકર યાસીરને પણ પોતાની સાથે લઈ ગયા હતા. યાસિર રામબનનો રહેવાસી છે. એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે રાજીવ ખજુરિયા લોહિયાના ખૂબ જ નજીકના મિત્ર છે, રાત્રે આખો પરિવાર તેમના ઘરે હાજર હતો.
સંબંધીઓએ જણાવ્યું હતું કે, બંધ રૂમમાં યાસિરે પહેલા તેનું ગળું દબાવ્યું અને બાદમાં કેચપની તૂટેલી બોટલ વડે તેમનું ગળું કાપી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ તેણે રૂમમાં આગ લગાવી દીધી અને ત્યાંથી ભાગી ગયો હતો. PAFFએ DG જેલની હત્યા કરવાનો દાવો કર્યો છે તે અંગે જમ્મુ અને કાશ્મીર પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. અધિકારીઓએ જણાવ્યું કે હત્યા બાદથી નોકર યાસિરની શોધ ચાલી રહી છે. યાસિરનો વીડિયો ઉદયવાલાની જ એક દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યાસિર લોહિયા સાથે કામ કરતા પહેલા તે મુખ્ય સચિવ ગૃહના ઘરમાં કામ કરી ચૂક્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું કે યાસિર પકડાયા બાદ જ સમગ્ર મામલાનો પર્દાફાશ થશે.