શ્રીનગર:જમ્મુ-કાશ્મીર પોલીસે એક ખતરનાક ષડયંત્રને નિષ્ફળ બનાવીને પુલવામાથી આતંકવાદીઓના એક સહયોગીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 5 કિલો ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) મળી આવ્યું છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું કે આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પુલવામા પોલીસના જણાવ્યા અનુસાર, આતંકીઓના ધરપકડ કરાયેલા સહયોગીનું નામ ઈશફાક અહેમદ વાની છે. તેની પુલવામાના અરીગામથી ધરપકડ કરવામાં આવી છે.
તાજેતરમાં, 4 મેના રોજ, ‘ઓપરેશન ઓલ આઉટ’ ચલાવતી વખતે, બારામુલ્લાના વાનીગામ પેયીન ક્રિરી વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકીઓ પાસેથી એક AK-47 મળી આવી હતી. હકીકતમાં, બારામુલ્લામાં સુરક્ષા દળોને ગામમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ઇનપુટ્સ મળ્યા હતા, ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
આતંકવાદીઓ તરફથી ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સુરક્ષા દળોએ હવાલો સંભાળ્યો હતો અને જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ વિશે માહિતી આપતા ADGP કાશ્મીરે કહ્યું હતું કે, ‘બંને સ્થાનિક આતંકવાદી છે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે સંકળાયેલા હતા. તેમની ઓળખ શોપિયાં જિલ્લાના શાકિર માજિદ નઝર અને હનાન અહેમદ શેહ તરીકે થઈ હતી. બંને માર્ચ 2023માં આતંકવાદી બન્યા હતા.