જમ્મુ-કાશ્મીરઃ પુંછમાંથી વધુ બે હાઈબ્રિડ આતંકી ઝડપાયા, ગ્રેનેડ જપ્ત કરાયાં
નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પુંછમાં સુરક્ષા દળોએ બે આતંકીઓની ધરપકડ કરી છે. બંને આતંકવાદીઓ સ્થાનિક હોવાનું કહેવાય છે. સુરક્ષા દળોએ આતંકીઓ પાસેથી બે ગ્રેનેડ જપ્ત કર્યા હતા. આ બંને હાઈબ્રિડ આતંકવાદી છે. તેઓ દેખાવમાં સામાન્ય હોય છે, પરંતુ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોય છે અથવા મદદ કરે છે, જેના કારણે તેમને ઓળખવામાં મુશ્કેલી પડે છે.
જમ્મુ-કાશ્મીરના પુંછ અને રાજૌરીના સરહદી જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ આતંકવાદીઓને પકડવા માટે છેલ્લા કેટલાક દિવસોથી સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ પહેલા બુધવારે આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ, પોલીસ અને સેનાએ ગુરસાઈ ટોપ વિસ્તારના મોહરી શાહસ્ટારમાં મોડી રાત્રે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓને શોધવા માટે વધારાના દળો પણ મોકલવામાં આવ્યા હતા.
આ દરમિયાન જંગલ તરફ આગળ વધી રહેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થોડીવાર ગોળીબાર થયો હતો. સુરક્ષા દળોએ આતંકીઓને શોધવા માટે ડ્રોન અને સ્નિફર ડોગ્સ પણ તૈનાત કર્યા છે. દરમિયાન, જમ્મુના વ્હાઇટ નાઈટ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC), લેફ્ટનન્ટ જનરલ નવીન સચદેવાએ ડોડાની મુલાકાત લીધી અને સુરક્ષાની સ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ જિલ્લામાં તાજેતરના સમયમાં ઘણી આતંકવાદી ઘટનાઓ બની છે.
રાજૌરી જિલ્લામાં ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ગતિવિધિઓ વિશે માહિતી મળ્યા પછી, સુરક્ષા દળોએ કુંદન અને શાદરા શરીફ વિસ્તારના આસપાસના ગામોને ઘેરી લીધા અને ગુરુવારની વહેલી સવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ગયા મહિને જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ભારતીય સેના અને CRPF દ્વારા સંયુક્ત ઓપરેશનમાં આતંકવાદીઓને સમર્થન આપનાર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ તેની પાસેથી મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા હતા.