જમ્મુ કાશ્મીરઃ ઉધમપુર રેલ્વે સ્ટેશનનું નામ બદલીને ‘શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલ્વે સ્ટેશન’ રાખવામાં આવ્યું
શ્રીનગર: ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન ચાલી રહ્યું છે અને તેમાં સફળતા ત્યારે જ મળે છે જ્યારે ભારતના બહાદુર સૈનિકો પોતાના જીવની પરવા કર્યા વિના ફરજ પર રહે છે. આવા જ એક બહાદુર શહીદ કેપ્ટન તુષાર મહાજનને લોકોના મનમાં જીવંત રાખવા માટે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું છે.
ઉધમપુર રેલ્વે સ્ટેશનનું નામ બદલીને ‘શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલ્વે સ્ટેશન’ રાખવામાં આવ્યું છે. કેપ્ટન તુષાર મહાજને વર્ષ 2016માં જમ્મુ-કાશ્મીરના પમ્પોરમાં આતંકવાદીઓ સામે લડતા લડતા પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. આ મામલે કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ એવા લોકો છે જેમને હંમેશા યાદ રાખવાની જરૂર છે.
ફેબ્રુઆરી 2016માં દક્ષિણ કાશ્મીરના પુલમાવા જિલ્લાના પમ્પોરમાં આતંકી હુમલો થયો હતો.આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની ઇમારત પર હુમલો કર્યો હતો. જે બાદ આતંકીઓ અને જવાનો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.આ એન્કાઉન્ટરમાં કેપ્ટન તુષારે એક આતંકવાદીને ઠાર માર્યો હતો અને પોતે પણ શહીદ થયા હતા. કેપ્ટનની શહાદતને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે 6 સપ્ટેમ્બરે ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલવાની મંજૂરી આપી હતી.
કેપ્ટન તુષાર 9 પેરાનો ઓફિસર હતો. તેમના પિતાનું નામ દેવ રાજ ગુપ્તા છે, જેઓ નિવૃત્ત આચાર્ય છે અને તેમની માતાનું નામ આશા રાની છે. કેપ્ટન તુષારનું બાળપણથી જ આર્મીમાં જોડાવાનું સપનું હતું. તેમનો આખો પરિવાર ઉધમપુરમાં રહે છે.