જમ્મુ-કાશ્મીર:’ધરતી ની જન્નત’માં ટૂંક સમયમાં દોડશે ‘વંદે ભારત’ ટ્રેન,રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી
શ્રીનગર: કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગો સાથે જોડતી રેલ લાઇન આ વર્ષે પૂર્ણ થશે અને આવતા વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિશેષ ‘વંદે ભારત’ ટ્રેન દોડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે આ માહિતી આપી હતી. અહીં નૌગામ સ્ટેશન પર એક પત્રકાર પરિષદને સંબોધતા રેલવે મંત્રીએ કહ્યું કે, જમ્મુને શ્રીનગર સાથે જોડતી ઉધમપુર-બનિહાલ લાઇન આ વર્ષે ડિસેમ્બર સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું કે આ સાથે જમ્મુ-કાશ્મીરમાં ઉધમપુર-બારામુલા રેલ લાઇનનું કામ પૂર્ણ થશે.
આવતા વર્ષથી આ રૂટ પર ટ્રેન દોડવાનું થશે શરૂ
“ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લાઇન પર સારી પ્રગતિ થઈ છે. ચિનાબ અને અંજી પુલ અને મુખ્ય ટનલના નિર્માણનું કામ પણ ચાલી રહ્યું છે અને તે સારી રીતે આગળ વધી રહ્યું છે. આ ટ્રેન આ વર્ષે ડિસેમ્બરમાં અથવા આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ રૂટ પર દોડવાનું શરૂ કરશે.તેમણે કહ્યું કે આ લાઇન માટે ખાસ ડિઝાઇન કરાયેલ ‘વંદે ભારત’ ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું,”આ વિશેષ ટ્રેનનું નિર્માણ કરતી વખતે તાપમાન, બરફ જેવી દરેક વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવી છે,”
આ ત્રણેય વિસ્તારોની પણ થઈ માંગ
રેલ્વે મંત્રીએ કહ્યું કે ત્રણ વિસ્તારો – સોપોર-કુપવાડા, અવંતીપોરા-શોપિયન અને બિજબેહરા-પહલગામને રેલ લાઈનો સાથે જોડવાની માંગ કરવામાં આવી છે અને રેલ્વે તેના પર વિચાર કરશે. તેમણે કહ્યું, “અમે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રી (અમિત શાહ) અને વડાપ્રધાન (નરેન્દ્ર મોદી) સાથે આ અંગે ચર્ચા કરીશું.”
વૈષ્ણવ કોમ્યુનિકેશન્સ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો પોર્ટફોલિયો પણ ધરાવે છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના દરેક ગામ અને શહેરમાં ટેલિકોમ સુવિધા હશે. તેમણે કહ્યું કે લદ્દાખ માટે લગભગ 500 નવા મોબાઈલ ટાવરને મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં જ સારી 4G/5G સુવિધા ઉપલબ્ધ થશે.