Site icon Revoi.in

જામનગરઃ ધ્રોલમાં ધો-6માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યા બાદ થયું મૃત્યુ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાર્ટએટેકથી યુવાનોના મોતની ઘટનામાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં જ મોબાઈલ ઉપર ફોન કરતા યુવાનને હાર્ટએટેક આવતા ત્યાં જ ઢળી પડ્યો હતો અને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. યુવાનને હ્રદયરોગનો હુમલો આવ્યો તે વખતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. દરમિયાન જામનગરના ધ્રોલમાં ધો-6માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો હતો અને તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીના મોતની ઘટનાને પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને તેનું મોત કેવી રીતે થયું તે જાણવા કવાયત શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના ધ્રોલમાં ધો-6માં અભ્યાસ કરતો વ્રજ સોરઠિયા નામનો વિદ્યાર્થી અચાનક જ ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ વિદ્યાર્થીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. હોસ્પિટલમાં હાજર તબીબે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે વિદ્યાર્થીના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સૌનિક સ્કૂલમાં પ્રવેશ માટેની તૈયારી કરતો વ્રજ સોરઠિયા ધ્રોલમાં પરિચીત શિક્ષકના ઘરે રહેતો હતો. આ બનાવને પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. તેમજ વિદ્યાર્થીના મૃત્યુનું સાચુ કારણ જાણવા માટે તેના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવાનો નિર્ણય લીધો હતો. તેમજ રાજકોટમાં જ વિદ્યાર્થીનું ફોરેન્સિક પીએમ કરવામાં આવશે.