Site icon Revoi.in

જામનગરઃ બોરવેલમાં ગરકાવ બાળકીના મોત મામલે વાડી માલિક સામે ફરિયાદ

Social Share

અમદાવાદઃ જામનગરના તમાચણ ગામમાં એક વાડીમાં કામ કરતા શ્રમજીવી પરિવારની 2 વર્ષની બાળકી રમતા-રમતા બોરવેલમાં ગરકાવ થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે બાળકીને બચાવી લેવા ભારે જહેમત ઉઠાવી હતી. જો કે, બાળકીને બચાવવામાં સફળતા મળી ન હતી. સમગ્ર મામલે પોલીસે વાડીના માલિક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બિનઉપયોગી બોરવેલ ખુલ્લો રાખવા મામલે વાડી માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તમાચણ ગામમાં ચંદુભાઈ નામના ખેડૂતની વાડીમાં કામ કરતા શ્રમજીવી પરિવારની બે વર્ષની બાળકી રોશની બે દિવસ પહેલા ખુલ્લા બોરવેલમાં ગરકાવ થઈ ગઈ હતી. બાળકી અંદર લગભગ 35થી 40 ફુટના અંતર ફસાઈ હતી. રેસ્ક્યુ ટીમે બોરની બાજુમાં જ ખાડો ખોદીને બાળકીને બચાવવાના પ્રયાસ કરવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમે બાળકીને અંદરથી બહાર કાઢી હતી. જો કે, તે પહેલા જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. વાડી માલિકએ બોર બિનઉપયોગી હોવા છતા નિયમ વિરુદ્ધ જઈને તેનુ પુરાણ કર્યું ન હતું. જેથી સમગ્ર ઘટનાને પોલીસે ગંભીરતાથી લઈને વાડી માલિકની સામે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરાઈ હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને બોરવેલ માલિકની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં અગાઉ પણ ખુલ્લા બોરવેલમાં બાળકો પડી જવાની ઘટનાને ગંભીરતાથી લઈને બિનઉપયોગી બોરવેલને લઈને કેટલાક મહત્વના નિર્ણય જાહેર કર્યાં હતા.