Site icon Revoi.in

જામનગરઃ કોર્પોરેશને મિલકત વેરા પેટે 3 મહિનામાં 19 કરોડની આવક

Social Share

અમદાવાદઃ જામનગર કોર્પોરેશનને મિલકત વેરા પેટે આવકના વાર્ષિક 80 કરોડના લક્ષ્‍યાંક સામે પ્રથમ ત્રિમાસીક ગાળામાં રૂા.19 કરોડની આવક થઇ છે. આ ઉપરાંત વોટર વર્કસ શાખાને ત્રણ માસમાં રૂા.6.67 કરોડની આવક થઇ છે. અન્ય શાખાની આવકો મળીને પ્રથમ ત્રણ માસમાં રૂા.62.45 કરોડની આવક થઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર મહાનગરપાલિકાને કોરોના કાળમાં આવકમાં થોડો ઘટાડો થયો હોય તેમ લાગે છે. ખાસ કરીને ગત ફેબ્રુઆરીમાં યોજાયેલી જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી બાદ શહેરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ હતી. જે જૂન માસના પ્રથમ સપ્તાહ સુધી નોંધપાત્ર માત્રમાં ચાલુ રહી હતી. જૂનના પ્રથમ સપ્તાહથી કોરોના સંક્રમણમાં મોટો ઘટાડો નોંધાયો હતો અને હાલ તો માત્ર એકલ-દોકલ કેસ જ નોંધાઇ રહ્યા છે.

બીજી લહેરના પ્રારંભે કરદાતાઓ તેમજ અરજદારો માટે બે માસ સુધી મહાનગરપાલિકાના પરિસરમાં મર્યાદિત પ્રવેશ રખાયો હતો. પરંતુ છેલ્લા એક માસથી રાબેતા મુજબ કામગીરી શરૂ થઇ ગઇ હોવાથી તેમજ ખાસ કરીને મિલ્કત અને પાણી વેરામાં એડવાન્સ વેરા યોજનામાં 10 થી 25 ટકાનું રિબેટ આપતી સ્કીમ 17મેથી શરૂ કરવામાં આવી હોવાથી અને 31 જુલાઇ સુધી આ યોજના ચાલુ રહેવાની હોવાથી લોકોએ આર્થિક કટોકટી કાળ સમાન વર્તમાન સમયમાં રિબેટનો લાભ મેળવવા વેરો ભરવાનું શરૂ કર્યુ છેં જેને કારણે જામનગર મહાનગરપાલિકાની ખાસ કરીને મિલ્કત વેરા શાખાની આવક તેના વાર્ષિક લક્ષ્‍યાંકના ચોથા ભાગની થવી જોઇએ તે લગભગ 92 થી 95 ટકા જેટલી પ્રાપ્ત થઇ છે.

આસી.કમિશ્ર્નર (ટેકસ) અને ચીફ એકાઉન્ટન્ટ જીજ્ઞેશ નિર્મળએ જણાવ્યું હતું કે, મિલ્કત વેરાની આવકનો વર્ષ 2021-22નો લક્ષ્‍યાંક 80 કરોડ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આથી આ વર્ષના તમામ ચાર કવાર્ટરમાં સરેરાશ 20 કરોડની આવક મેળવવાની થાય છે. 1એપ્રિલથી 30જૂન સુધીના પ્રથમ ત્રિમાસીક ગાળામાં મિલ્કત વેરા પેટે રૂા.19 કરોડની આવક થઇ છે.