1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગરઃ ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી સરકારી સ્કૂલ, વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વેટીંગ
જામનગરઃ ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી સરકારી સ્કૂલ, વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વેટીંગ

જામનગરઃ ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી સરકારી સ્કૂલ, વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વેટીંગ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં ખાનગી સ્કૂલોના સંચાલકોની મનમાનીથી કંટાળીને હવે વાલીઓ સરકારી સ્કૂલમાં પોતાના સંતાનોને અભ્યાસ અર્થે મોકલે છે. બીજી તરફ સરકાર પણ સરકારી સ્કૂલોમાં શિક્ષણના સ્તરમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ જામનગરની સરકારી સ્કૂલને એક સંસ્થાના સહકારથી અત્યાધુનિક બનાવવામાં આવી છે. એટલું જ સ્કૂલમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વેટીંગનું લિસ્ટ છે.

અણઘડ પથ્થરને તરાશીને એમાંથી પ્રતિમા બનાવવાનું, આત્માના અજવાળાંને સંકોરવાનું અને વ્યક્તિને જવાબદાર નાગરિક બનાવવાનું કામ શિક્ષણનું છે, શિક્ષકનું છે, શાળાનું છે. પ્રત્યેક વાલી પોતાના ઉપવનની કળી પૂર્ણ વિકસિત, સુવાસિત અને આકર્ષક પુષ્પ બને તે માટે સ્વાભાવિક રીતે પ્રયત્નશીલ હોય છે અને એટલે જ જ્યાં પોતાનાં સંતાનને સારી કેળવણી મળે તેવી શાળા પસંદ કરે છે.  જાત-જાતના અભ્યાસક્રમો અને ભાતભાતના ભણતરના વિકલ્પો આપતી શાળાઓમાં એડમીશન માટે સામ- દામ- દંડ- ભેદનો ઉપયોગ કરતા વાલીઓની વાતો સાંભળીએ ત્યારે આપણને સમજાય કે, જેમ કુદરત પાસે માણસ લાચાર છે એમ જ સારી ગણાતી શાળાઓના સંચાલકો પાસે નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા સંતાનોના વાલીઓ લાચાર છે!

સરકારી શાળાઓ વિદ્યાર્થીઓના અભાવે બંધ કરવાનો વખત આવે અને ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતાં નાકે દમ આવી જાય પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ચક્ર ઉલટું ફરવાનું શરુ થયું છે. રાજ્ય સરકારે જરુરી લાગ્યું ત્યાં સમાજના સુખી-સંપન્ન નાગરિકો અથવા ઉદ્યોગ ગૃહોને સાથે જોડીને અફલાતૂન આંતર માળખાંકીય સુવિધાઓનું નિર્માણ કરાવ્યું છે સાથે સાથે શિક્ષકોને પણ પ્રેરણા આપીને પોતાની પ્રતિભાનો મહત્તમ લાભ વિદ્યાર્થીઓને મળે તે માટે પ્રોત્સાહિત કર્યા છે.

રાજ્ય સરકારનો શિક્ષણ સુધારનો દ્ર્ઢ નિર્ધાર અપેક્ષિત પરિણામો આપી રહ્યો છે તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં આવેલી જામનગર મહાનગરપાલિકા સંચાલિત શાળા નં-1માં જોવા મળે છે જયાં એડમિશન માટે વેઈટીંગ લિસ્ટ છે અને આજુબાજુની બધી ખાનગી શાળાઓમાંથી પોતાનાં સંતાનોને ઉઠાડીને વાલીઓ આ શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે.ચાલુ વર્ષે જ 250 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી આ શાળામાં એડમિશન લીધું છે.

જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિની રજૂઆત સ્વીકારીને પાયાની જરૂરિયાતો સાથેની  શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ કરવા માટે લાલવાડી વિસ્તારમાં આવેલ પ્રાથમિક  શાળા નં-1 ના નવા મકાનના નિર્માણનો પ્રોજેક્ટ ખાનગી કંપની દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં સંપન્ન કરાયો છે. આ નવનિર્મિત શાળામાં ‘બિલ્ડીંગ એઝ લર્નિંગ એઇડ’ (BALA) ની વિભાવનાને સાકાર કરતા વર્ગખંડો અને શાળાની લોબીમાં સુંદર શૈક્ષણિક ચિત્રો બનાવાયાં છે.

સી.સી.ટી.વી. કેમેરા, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પીવાના પાણી માટે આર.ઓ. પ્લાન્ટ, ક્લાસરૂમ ફર્નિચર, સાયન્સ લેબોરેટરી, કુમાર- કન્યાઓ અને શાળાના કર્મચારીઓ માટે અલગ ટોયલેટ બ્લોક્સની સુવિધા ઉપરાંત કલા- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમત-ગમતને પ્રોત્સાહિત કરવા સ્પોર્ટ્સ કીટ અને સંગીતનાં સાધનોથી પણ આ શાળાને સજ્જ કરવામાં આવી છે. શાળા પરિસરમાં ટ્રી ગાર્ડ સાથે વૃક્ષારોપણ દ્વારા હરિયાળીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code