જામનગરઃ વાડીમાં શ્રમજીવી પરિવારની બે વર્ષની બાળકી બોરવેલમાં ગરકાવ, બચાવ કામગીરી હાથ ધરાઈ
અમદાવાદઃ જામનગરના તમાચણ ગામમાં આવેલા બોરવેલમાં બાળકી ઉતરી જવાની ઘટના સામે આવતા વહીવટી તંત્ર સ્થળ પર દોડતું થઈ ગયું હતું. તેમજ ફાયરબ્રિગેડ સહિતની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. શ્રમજીવી પરિવારની બે વર્ષની આ બાળકી લગભગ બોરવેલમાં 35થી 40 ફુટના અંતર ફસાઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના તમાચણ ગામમાં એક વાડીમાં કામ કરતા શ્રમજીવી પરિવારની બે વર્ષની દીકરી રમી રહી હતી. દરમિયાન રમતા-રમતા બાળકી એક બોરવેલમાં ઉતરી ગઈ હતી. બાળકી બોરવેલમાં ફસાઈ હોવાની જાણ થતા પરિવારજનોએ દીકરીને બચાવવા માટે મદદ માંગી હતી. જેથી આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે બોરવેલમાં કેમેરા ઉતારીને બાળકીની પરિસ્થિતિ જાણવાની સાથે તેને બચાવી લેવા માટે કવાયત શરૂ કરી હતી. બાળકીને ઓક્સિજન સપ્લાય પુરો પાડવામાં આવી રહ્યો છે. તેમજ ડોક્ટરની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઉપરાંત તંત્ર દ્વારા અત્યાધુનિક મશિન મારફતે બાળકીને રેસ્ક્યૂ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ દુર્ઘટનાની જાણ થતા જ 108 ઈમરજન્સી સેવા અને ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. આ બનાવની જાણ થતા સ્થાનિક આગેવાનો પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. ફાયરબ્રિગેડ અને 108 સેવાની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત સ્થાનિકો પણ બોરવેલમાં ફસાયેલી બાળકીને બચાવવા માટે રિસ્ક્યુ કામગીરીમાં જોડાયાં હતા. તમાચણ ગામમાં બોરવેલમાં બાળકી ગરકાવ થયાની જાણ થતા પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગણી કરી હતી.