જામનગરના બ્રાસ ઉદ્યોગને કોલસા, ફર્નેસ ઓઈલ અને ગેસના ભાવ વધારાનું ગ્રહણ લાગ્યું
જામનગરઃ શહેરના ધોરીનસ સમાન અને વિશ્વ વિખ્યાત બ્રાસ ઉધોગમાં ઉપયોગી કોલસો, ફર્નેસ ઓઇલ, ગેસના ભાવમાં છેલ્લાં છ મહિનામાં બમણો વધારો થતાં ઉધોગને મરણતોલ ફટકો પડયો છે. રો-મટીરીયલના ભાવમાં પણ 50 ટકા વધારાથી બ્રાસ ઉધોગનું અસતિત્વ ટકાવવું પડકારરૂપ બન્યું છે. ઉત્પાદન ખર્ચ ડબલ થયો છે પરંતુ બજારમાં મંદીના કારણે ભાવ વધારો ન મળતાં ઔધોગિક એકમોની હાલત કફોડી બની છે. ઉધોગમાં ઉપયોગી તમામ વસ્તુના ભાવ વધતા ઉધોગકારો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે. જામનગર શહેરના અનેક નાના એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જામનગરનો બ્રાસ ઉધોગ વિશ્વભરમાં જાણીતો છે. શહેરમાં 7000 જેટલા નાના-મોટા ઓધોગિક એકમો કાર્યરત છે. જેના દ્વારા 3 થી 4 લાખ લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મેળવી રહ્યા છે. પરંતુ બ્રાસ ઉધોગમાં ઉપયોગી ફર્નેસઓઇલ, કોલસો, ગેસના ભાવ બમણા થતાં ઉધોગ પર સંકટ ઉભું થયું છે. વળી, રો-મટીરીયલના ભાવમાં પણ કીલોએ રૂ.150 નો વધારો થતાં ઉધોગકારો માટે દાઝયા પર ડામની સ્થિતિ સર્જાઇ છે. ભાવ વધારાથી ઉત્પાદન ખર્ચ બમણું થયુ છે પરંતુ ભારત તથા વૈશ્વિક બજારમાં મંદી હોય પુરા ભાવ ન મળતા બ્રાસ ઉધોગનું અસ્તિત્વ ટકાવવું પડકારરૂપ બન્યું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જામનગરના બ્રાસઉધોગમાં ઉપયોગી કોલસો, ફર્નેસ ઓઇલ અને ગેસના ભાવ બમણા થતાં ઉત્પાદન ખર્ચ ખૂબજ વધ્યું છે. વળી, મંદી હોવાથી અને અન્ય શહેરમાં જયાં બ્રાસપાર્ટનો માલ સપ્લાય થાય છે ત્યાં વધુ ભાવ ન મળતાં મુશ્કેલી બેવડાઇ છે. રો-મટિરીયલમાં પણ કીલોએ રૂ.150 વધ્યા છે. ત્યારે સરકાર રો-મટીરીયલ પર 18 ટકા જીએસટી વસૂલ કરે છે તે ઘટાડી 5 ટકા કરે તો બ્રાસઉધોગ ટકી શકે તેવી સ્થિતિ છે. શહેરના બ્રાસ પાર્ટસ બનાવતા એક ઉદ્યોગકારના કહેવા મુજબ જામનગરના બ્રાસઉધોગમાં ઉપયોગી ફર્નેસ ઓઇલ, ગેસ અને કોલસાના તથા રો-મટીરીયલના ભાવ વધતાં ઉધોગો કેમ ચલવવા તે એક સળગતો સવાલ બન્યો છે. ત્યારે જે ઉધોગકારોની બેંકમાં વર્તમાન ક્રેડીટ લિમિટ છે તેમાં 25 ટકા વધારો બેંકો દ્વારા કરાવામાં આવે તો ઉધોગકારોને રાહત મળે તેમ છે.