Site icon Revoi.in

જામનગરના બ્રાસપાર્ટ્સ ઉદ્યોગની નિકાસ વધતા રાહત, વાર્ષિક ટનઓવર 500 કરોડે પહોંચ્યું

Social Share

રાજકોટઃ કોરોના કાળ બાદ જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે તેજીના દિવસો આવી રહ્યા છે. જામનગરના બ્રાસપાર્ટસ ઉદ્યોગની નિકાસ યુરોપિયન દેશોમાં વધી રહી  છે. પાંચ વર્ષ પૂર્વ કુલ નિકાસમાં 2થી 3 ટકા હિસ્સો હતો તેના સ્થાને હવે 10 ટકા જેટલો હિસ્સો થઇ ગયો છે. વીએમસી અને સીએનસી મશીનોનું ઉત્પાદન ભારતમાં વધવાને લીધે સુલભ બનતા ઉત્પાદન અને નિકાસમાં ફાયદો મળી રહ્યો હોવાનું ઉત્પાદકો કહી રહ્યા છે.
જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ ઇટાલીનાં મશીનો આયાત કરવા પડતાં હતાં. એની કિંમત આશરે રૂા.70-80 લાખ થતી હતી પણ ભારતમાં એવાં જ મશીનો બની રહ્યા છે અને તે રૂા.15-30 લાખમાં પડે છે એટલે હવે મોટાંભાગના યુનિટો સીએનસી અને વીએમસી મશીનો વસાવી ચૂક્યાં છે. એની અસરથી ઉત્પાદન સુગમ બન્યું છે. હવે ઓટોમેટિક અને કોમ્પ્યુટરાઇઝડ પધ્ધતિથી ઉત્પાદન થાય છે અને ઝીરો એમએમની આઇટેમો પણ બનાવી શકાય છે. વિદેશી બજારમાં ચોકસાઇવાળું ઉત્પાદન મોકલી શકાય છે એટલે માગ વધી રહી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અગાઉ માર્ચ મહિનામાં રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ શરૂ થયું ત્યારે બ્રાસ ક્રેપ મેળવવામાં સમસ્યા નડતી હતી કારણકે ઉદ્યોગની ક્રેપની 80 ટકા માગ અમેરિકા અને આસપાસના દેશોમાંથી સંતોષાય છે. 20 ટકા ક્રેપ આફ્રિકાથી આવે છે. સીએનસી મશીનમાં બ્રાસનો સળિયો (રોડઝ) દાખલ કરવામાં આવે એ પછી પ્રોગ્રામિંગની મદદથી ધારણા મુજબનું ઉત્પાદન લઇ શકાય છે. બ્રાસના સળિયા બનાવતાં અનેક યુનિટો જામનગરમાં છે. હવે તો નિકાસકારોને એનએબીએલનું વૈશ્વિક સ્તરનું સર્ટિફિકેટ લેવા માટે પણ રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નથી.  જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન પણ તે આપી શકે છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જામનગર ઉપરાંત મોરાદાબાદ અને અલીગઢમાં પણ બ્રાસપાર્ટસ બને છે પણ તે જામનગર કરતાં જુદા છે કારણકે ત્યાં હેન્ડવર્ક અર્થાત મજૂરીકામ વધારે થઇ રહ્યું છે. જામનગર અને આસપાસના વિસ્તારોમાં માસિક 8000 ટન જેટલા સામાનનું ઉત્પાદન થાય છે અને નિકાસ કરવામાં આવે છે. ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર રૂા. 500 કરોડનું છે.
જામનગરમાં 30 ટકા જેટલી નોકરીયાતો તરીકે મહિલાઓ કામકાજ કરી રહી છે. આ ઉદ્યોગ કુલ મળીને 4 લાખ લોકોને સીધી-આડકતરી રોજગારી આપતો હોવાનો અંદાજ છે. જામનગરમાં ઉત્તરપ્રદેશ, બિહાર,ઓરિસ્સા અને બંગાળના લોકો મજૂરી અર્થે આવી ગયા છે. જામનગરમાં નાની પીનથી લઇને એરોપ્લેનમાં ફિટ થતા પાર્ટસનું ઉત્પાદન થાય છે અને આશરે 7-8 હજાર જેટલા નાના મોટાં યુનિટો કાર્યરત છે.