Site icon Revoi.in

જામનગરના હાપા માર્કેટ યાર્ડ ધાણા અને ચણાની આવકથી છલકાયું, જગ્યાના અભાવે આવક બંધ કરી

Social Share

જામનગર: ગત ચોમાસા દરમિયાન પડેલા સારા વરસાદને કારણે સિંચાઈ માટેનું પુરતું પાણી મળી રહેતા આ વર્ષે સૌરાષ્ટ્રમાં રવિ પાકનું બમ્પર ઉત્પાદન થયું છે. રવિપાકની આવકથી માર્કેટ યાર્ડ્સ છલકાય રહ્યા છે. જેમાં જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ધાણા, ચણા, અને ડુંગળીની ધૂમ આવક થઈ રહી છે. સમગ્ર રાજ્યના યાર્ડની સરખામણીમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાની જણસોના ઊંચા ભાવ મળે છે.

સૌરાષ્ટ્રના ખેડૂતો જામનગરના  હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસ, ચણા, ડુંગળી અને જીરુ જેવી જણસો વેચવા માટે આવી રહ્યા છે. ફરી એક વાર હાપા માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ચણાની મબલખ આવક થઇ હતી. વહેલી સવારથી લઈને સમગ્ર દિવસ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગી હતી.હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ  જણાવ્યું હતું કે હાપા માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ચણાની આવક ખોલવામાં આવી હતી, જેમાં કુલ 500 વાહનો અને ધાણાની 21 હજાર ગુણી, ચણાની 3500 ગુણીની આવક થઇ હતી. અને  જગ્યાના અભાવે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે.

આ ઉપરાંત  હાપા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની મલબખ આવક શરૂ થઈ છે. એક દિવસમાં ડુંગળી ભરેલા 75 જેટલા વાહનો સાથે 5300 ગુણીની આવક થઈ. જે અંદાજે કુલ 12375 મણ જેટલી ડુંગળી યાર્ડમાં આવી હતી. જેના એક મણના ભાવ 100 થી 465 સુધીના ખુલ્લા બજારમાં નોંધાયા હતા. ડુંગળી જામનગર તથા અન્ય જિલ્લામાંથી પણ હાપા માર્કેટીંગ યાર્ડમાં આવી રહી છે. વધુ આવક થતા ડુંગળીની નવી આવક પર રોક લગાવવાની ફરજ પડી છે.

હાપા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી કાલાવડ તથા આસપાસના વિસ્તારમા ખેડુતો અહી લાવે છે. અન્ય યાર્ડમાં વેપારીઓની ઓછી સંખ્યાના કારણે ખેડુતો ખુલ્લા બજારમાં હરીફાઈનો પુરતો ફાયદો ના મળતો હોવાથી ખેડુતો અન્ય તાલુકા અને જિલ્લામાંથી પણ હાપા યાર્ડમાં આવતા હોય છે. હાલના સમયમાં ડુંગળી માટે ખેડુતો અન્ય જિલ્લામાંથી પણ અહી આવતા હોવાથી ડુંગળી તેમજ ધાણાની મબલખ આવક થઈ રહી છે.