જામતાડા સાઈબર ગેંગ ઝબ્બેઃ દેશના 27 રાજ્યોના 1624 લોકોને નિશાન બનાવી આચરી 30 કરોડથી વધુની ઠગાઈ
મુંબઈઃ દિલ્હી પોલીસના સાઇબર સેલે જામતાડા ગેંગના 14 સાગરિતોને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આ ટોળકીએ દેશના વિવિધ રાજ્યોમાં 1600થી વધારે લોકોને નિશાન બનાવીને 30 કરોડથી વધુની છેતરપીંડી આચરી હોવાનું ખૂલતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આરોપીઓની તપાસમાં અન્ય ખુલાસા થવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જામતાડા ગેંગેના માસ્ટરમાઈન્ડ અલ્તાફ અન્સારી ઉર્ફે રોકસ્ટાર અને ગુલામ અન્સારી ઉર્ફે માસ્ટરજીએ સાયબર ફ્રોડની પદ્ઘતિ શીખવા માટે બે લાખ રૂપિયા ખર્ચ્યા હતા. દિલ્હી પોલીસ સાયબર સેલ આ મહાન ઠગની શોધમાં જામતાડા અને ગિરિડીહમાં તેના વિવિધ સ્થળો પર દરોડા પાડી રહી છે. જેણે બંને માસ્ટર માઇન્ડને તાલીમ આપી હતી. આ ગેંગ નકલી વેબસાઈટ અને યુપીઆઈ દ્વારા પેમેન્ટ લેતી હતી. આ ગેંગે નકલી વેબસાઇટ બનાવવામાં નિપુણતા મેળવી છે. નકલી વેબસાઈટ દ્વારા લોકોને જથ્થાબંધ સંદેશા મોકલતા હતા. ટોળકી કેવાયસીના નામે આ ગેંગ વધુ છેતરપિંડી કરતી હતી. પહેલા આ ઠગ લોકોને સતત તેમની બેંક વિગતો માંગતા હતા પરંતુ હવે તેઓ પણ આધુનિક બની ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં ટેકનોલોજીનો વપરાશ વધતા હવે ગુનેગારો પણ હાઈકેટ થવા લાગ્યાં છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી સાઈબર ક્રાઈમના ગુનામાં વધારો થયો છે. પોલીસ પણ હવે આવા ગુનાઓને શોધી કાઢવા માટે આધુનિક ટેકનોલોજીની મદદ લઈ રહી છે.