ગાંધીનગરઃ રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે તમામ શહેરોમાં જનસેવા કેન્દ્રો પર આવતા અરજદારોને મુસ્કેલી ન પડે તે માટે જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જનકેન્દ્રો હવે સવારે 9.30થી કાર્યરત થઈ જશે. ઉપરાંત જનસેવા કેન્દ્રો પર પીવાના પાણીથી લઈને પંખા અને કૂલરની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
હીટ વેવની આગાહીના પગલે ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવએ આવશ્યક તમામ પગલાં ભરવા જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપી છે. જેના પગલે સોમવારથી લોકોને ગરમીમાં રાહત મળે અને વહીવટી કામ સરળતાથી થઈ શકે તેવા ઉમદા આશયથી ગાંધીનગર જિલ્લામાં તમામ તાલુકા અને કલેકટર કચેરીના જન સેવા કેન્દ્રનો સમય સવારના 9:30 વાગ્યાથી કરવામાં આવ્યો છે. જ્યારે કોર્પોરેશન વિસ્તારમાં પણ વિવિધ સ્થળોએ મંડપ – પાણીની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
ગાંધીનગર ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ જનસેવા કેન્દ્રો સવારે 9.30 કલાકથી કાર્યરત થશે. રાજ્યભરમાં ગરમીના પ્રકોપને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાટનગર ગાંધીનગરમાં તો રેકર્ડબ્રેક તાપમાન નોંધાતા લોકોને ગરમીથી બચાવવા માટે જિલ્લા કલેક્ટરે મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા સાથે બેઠક કરી હતી. એટલું જ નહિ તેમણે ગાંધીનગર શહેરના જુદા જુદા વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. લોકોને સૂર્યના સીધા કિરણોથી રક્ષણ અને ગરમીમાં રાહત મળે એ માટે ગાંધીનગરના મહત્વના વિવિધ સ્થળોએ કોર્પોરેશન દ્વારા મંડપ બાંધવા તેમજ પીવાના પાણીની સ્થળ પર જ સુવિધા ઉભી કરવા નક્કી કરાયું છે. હીટ વેવના પગલે શ્રમિકો કામ કરતા હોય એવી તમામ સાઈટ પર બપોરના બાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી કામ બંધ રાખવા, જિલ્લામાં આંગણવાડીનો સમય સવારના સાતથી દસ વાગ્યા સુધીનો રાખવા, જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં લૂ લાગવાના કિસ્સામાં ઝડપથી આરોગ્ય સેવા મળી રહે તે માટે ધનવંતરી રથ મોકલવા જેવા આવશ્યક પગલાં પણ વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે. (file photo)