120 કરોડ રૂપિયાના પોન્જી સ્કેમના મામલે કર્ણાટકના ભૂતપૂર્વ પ્રધાન જનાર્દન રેડ્ડી સામે ચાર્જશીટ
કર્ણાટકના ભૂતપૂર્વ પ્રધાન જનાર્દન રેડ્ડી વિરુદ્ધ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જનાર્દન રેડ્ડી વિરુદ્ધ 120 કરોડ રૂપિયાના પોન્જી સ્કેમનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમની સાથે અન્ય નવ લોકોના નામ પણ ચાર્જશીટમાં સામેલ છે.
સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે એમ્બિડેન્ટ માસ્કેટિંગ અને અન્ય નવ લોકો વિરુદ્ધ 120 કરોડના પોન્જી સ્કેમના મામલામાં ચાર્જશીટ દાખલ કરી છે. અન્ય જે નવ લોકોની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, તેમા કર્ણાટકના ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના નેતા રહેલા જી. જનાર્દન રેડ્ડીનું નામ પણ સામેલ છે.
સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી 4800 પૃષ્ઠોની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છેકે 10564 લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. તેમાથી પોલીસે 4800 રોકાણકારોની ડિટેલ આ ચાર્જશીટમાં આપી છે. આ 4800 રોકાણકારોએ 82.1 કરોડ રૂપિયા રોક્યા હતા.
સીસીબીની ચાર્જશીટમાં જનાર્દન રેડ્ડી, એમ્બિડેન્ટ માર્કેટિના નિદેશક સૈયદ ફરીદ અહમદ અને સૈયદ અફાક અહમદ, વેપારી વિજ ટાટા, રેડ્ડીના સહયોગી મેહફૂજ અલી ખાન, સોનાના વેપારી રમેશ ઉર્ફે બલ્લારી રમેશ, કંપનીના અધિકારી ઈનાયતઉલ્લા વહાબ અને અશરફ અલીના નામ સામેલ છે.
સીસીબીએ આરોપીની 59 કરોડ રૂપિયાની મિલ્કત જિલ્લા વહીવટી તંત્રને જપ્ત કરવા માટે તાકીદ કરી છે. પ્રોપર્ટીમાં જનાર્દન રેડ્ડીનો બેંગાલુરુ રેસકોર્સ રોડ ખાતેનો પારિજાત એપાર્ટમેન્ટનો ફ્લેટ પણ સામેલ છે. તેની કિંમત પાચં કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે.
પોલીસે એમ પણ કહ્યુ છે કે આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજો દ્વારા જ તેમની મિલ્કતોની જાણકારી પ્રાપ્ત થઈ છે. ફ્લેટ્સ અને કૃષિ ભૂમિને જપ્ત કરવા માટે કહેવામાં આવ્યું છે. આરોપીઓના 37 બેંક એકાઉન્ટોની જાણકારી મળી છે અને તેમા 3.5 કરોડ રૂપિયા જમા હતા.