રાજકોટઃ શહેરમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. શહેરના એરપોર્ટથી કેસરી કલરની જીપમાં સવાર થઈ વડાપ્રધાને રોડ-શોનો પ્રારંભ કરતા લોકો રોડની બન્ને સાઈડ પર ઊભા રહીને મોદીનું અભિવાદન કર્યુ હતું. અને રાજકોટવાસીઓએ વડાપ્રધાન પર ફૂલોનો વરસાદ કર્યો હતો. દોઢ કિમી રોડની બન્ને બાજુએ ઊભા રહેના જનતા જનાર્દને ઠેર ઠેર નરેન્દ્ર મોદીનું અનેરૂ સ્વાગત કર્યું હતુ.
રાજકોટમાં વડાપ્રધાનના આગમન પહેલા જ પખવાડિયાથી વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી હતી. પોલીસ દ્વારા પણ સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બુધવારે સાંજે એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સભાસ્થળે દોઢ કિમી સુધીનો રોડ-શો યોજાયો હતો. એરપોર્ટ પર મોદીને આવકારવા યુવાનો રંગબેરંગી છત્રીઓ સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ઉમટી પડ્યા હતા. શહેરના પશ્ચિમ વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ નરેન્દ્ર મોદીને આવકારવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા અને નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. રોડ શોના રૂટ પર કુલ 60 જેટલાં સ્ટેજ તૈયાર કરવામાં આવ્યાં હતા. જેના પરથી ભાજપના અલગ અલગ મોરચા તેમજ શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા વડાપ્રધાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જેમાં ગુજરાતના પ્રખ્યાત ગરબા, તલવાર રાસ, ટ્રેડિશનલ ડ્રેસ સાથે છત્રી ડાન્સ અને નાસિક ઢોલ સહિત વિવિધ અલગ અલગ રંગોથી વડાપ્રધાન આવકાર અપાયો હતો.
વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કોઈ છમકલું ન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 20થી વધુ આગેવાનો અને કાર્યકરોને સવારથી જ ડિટેઈન કરી લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ-શો એરપોર્ટથી રેસકોર્સ રોડ સુધી યોજાયા બાદ રેસકોર્સ મેદાનમાં વિશાળ સભા યોજવામાં આવી હતી. ત્યારબાદ વડાપ્રધાને શાસ્ત્રી મેદાનમાં યોજાયેલા હાઉસિંગ કોન્કલેવ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
રાજકોટ શહેર SOG અને ક્રાઈમ બ્રાંચની ટીમ વહેલી સવારે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોના ઘરે પહોંચી ગઈ હતી અને આશરે 20થી વધુ વિપક્ષી આગેવાનોને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા.