હિન્દુ ધર્મને નષ્ટ કરવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસને જનતા પાઠ ભણાવશે: નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ કોંગ્રેસ પર હિન્દુ ધર્મને નષ્ટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જનતા તેને આ માટે સબક શીખવશે. ઉત્તરાખંડમાં 19 એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા અહીં એક ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી વિકાસ અને વારસા બંનેનો વિરોધ કરે છે.
તેમણે કહ્યું, “કોઈ પણ ભૂલી ન શકે કે કોંગ્રેસ પાર્ટીએ ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે જ સૌપ્રથમ રામ મંદિરનો વિરોધ કર્યો, અવરોધો ઉભા કર્યા અને કોર્ટમાં અડચણો ઉભી કરવાની કોશિશ પણ કરી હતી.” મંદિરનું નિર્માણ કરનાર ભક્તોએ કોંગ્રેસના તમામ ગુના માફ કરીને તેમના ઘરે જઈને મંદિરમાં ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપ્યું હતું, તેમ છતા તેમણે તેને સ્વિકારનો ઈન્કાર કર્યો હતો.
મોદીએ કહ્યું કે હવે કોંગ્રેસે જાહેરમાં ઘોષણા કરી છે અને વચન આપ્યું છે કે તે હિંદુ ધર્મમાં રહેલી શક્તિનો નાશ કરશે. તેમણે કહ્યું, “આ કોંગ્રેસ શક્તિસ્વરૂપા મા ધારી દેવી, મા ચંદ્રાબદની દેવી, મા જ્વલપા દેવીની શક્તિને નાશ કરવા માંગે છે. ઉત્તરાખંડની આસ્થાને ખતમ કરવાના કાવતરા ચાલી રહ્યા છે અને કોંગ્રેસના આ શબ્દો આગમાં ઈંધણ ઉમેરશે.
તેમણે કહ્યું કે, ઉત્તરાખંડની સંસ્કૃતિનું રક્ષણ કરવું એ આપણા બધાની જવાબદારી છે. પીએમ મોદીએ કહ્યું, “તમે બધાએ એ ન ભૂલવું જોઈએ કે આ એ જ કોંગ્રેસ છે જે કહેતી હતી કે હર કી પૌરી મા ગંગાના કિનારે નથી, તે નહેરના કિનારે આવેલી છે. તેઓ ગંગાજીના અસ્તિત્વ પર સવાલો ઉઠાવી રહ્યા છે. ઉત્તરાખંડના લોકો તેમને પાઠ ભણાવશે.
વડા પ્રધાને કહ્યું કે, તેમના નેતૃત્વ હેઠળની સ્થિર સરકારે છેલ્લા 10 વર્ષમાં દેશને પહેલા કરતા વધુ મજબૂત બનાવ્યો છે. તેમણે કહ્યું કે, તે પહેલા જ્યાં સુધી દેશમાં નબળી અને અસ્થિર સરકારો હતી ત્યાં સુધી ભારતમાં આતંકવાદ ફેલાયો હતો, પરંતુ તેમની મજબૂત સરકારમાં આતંકવાદીઓ તેમના ઘરમાં ઘૂસીને માર્યા છે. “આજે ત્રિરંગો યુદ્ધ ક્ષેત્રમાં સુરક્ષાની ગેરંટી પણ બની ગયો છે.”
મોદીએ કહ્યું કે તેમની મજબૂત સરકારે સાત દાયકા પછી જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી, ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો, લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને અનામત આપી અને ભૂતપૂર્વ સૈનિકોને ‘ઓઆરઓપી’ (વન રેન્ક, વન પેન્શન) પ્રદાન કર્યું. તેમણે જનતાને વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા ઉત્તરાખંડની પાંચેય બેઠકો પર ફરી એકવાર ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા જણાવ્યું હતું. 2014 અને 2019માં પણ રાજ્યની પાંચેય બેઠકો ભાજપ પાસે ગઈ હતી.