Site icon Revoi.in

જન્માષ્ટમી મહોત્સવઃ દ્વારકા નગરીમાં 10મી સપ્ટેમ્બર સુધી ડ્રોન ઉડાવવા ઉપર પ્રતિબંધ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આજે નાગપાંચમની ધામધૂમથી ધાર્મિક માહોલ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન દ્વારકાનગરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. દ્વારકામાં જન્માષ્ટમીના પર્વ ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. જેથી  શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન તંત્ર દ્વારા દ્વારકામાં 10મી સપ્ટેમ્બર સુધી ડ્રોન ઉડાવવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દ્વારકાધીશના મંદિર આસપાસના વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે. ડ્રોન ઉડાવવાથી અકસ્માતમાં જાનહાની થવાની ભીતિને લઈ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે. આ અંગે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું 10 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે અને જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. પોલીસ વિભાગના ડ્રોન ઓપરેટર દ્વારા સતત મોનિટરિંગ પણ કરાશે. જિલ્લા પોલીસે જાહેરનામું બહાર પાડી સ્પેશિયલ ટ્રેઈન પોલીસ કર્મીચારી પણ તહેનાત કરાયા છે.

દ્વારકામાં જન્માષ્ટમીને લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો છે. તેમજ સમગ્ર નગરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ દ્વારકામાં વાહન ચેકીંગ અને સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવી રહી છે. દ્વારકા ઉપરાંત સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્યામળાજી, ડાકોર સહિતના ધાર્મિક સ્થળો ઉપર પણ જન્માષ્ટમીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. રાજકોટમાં સાતમ-આઠમના મેળાને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.