- ઈતિહાસમાં નોંધાયેલો છે 16 જાન્યુઆરીનો દિવસ
- ભારતની દીકરીની મોટી ઉપલબ્ધિનો સાક્ષીનો દિવસ
- બીજી અને છેલ્લી અંતરિક્ષ યાત્રા પર રવાના થઇ હતી કલ્પના ચાવલા
16 જાન્યુઆરીનો દિવસ ભારતની દીકરીની મોટી ઉપલબ્ધિની સાક્ષી છે, જેમણે સાત સમુદ્રને પાર અમેરિકા જઈને અંતરિક્ષ યાત્રી બનવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું. કલ્પના ચાવલા, જેમણે 16 જાન્યુઆરી 2003 ના રોજ સ્પેસ શટલ કોલમ્બિયાથી અંતરિક્ષમાં બીજી વખત ઉડાન ભરી હતી. આ સાથે કલ્પના ચાવલા એક એવું નામ બન્યું, જેણે ભારતમાં અને સમગ્ર વિશ્વમાં છોકરીઓના સપનાને પાંખો આપી.
કલ્પના ચાવલાની બીજી ઉડાન 16 જાન્યુઆરી 2003 ના રોજ કોલમ્બિયા સ્પેસ શટલથી શરૂ થઈ હતી. તેની આ ઉડાન અંતિમ સાબિત થઇ, કારણકે મિશન બાદ પૃથ્વી પર પરત ફરતી વખતે 1 ફેબ્રુઆરી 2003 ના રોજ તેનું યાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ચાલક દળના અન્ય છ સભ્યો સાથે તેમનું મોત નીપજ્યું હતું. 16 મી જાન્યુઆરીથી શરૂ થયેલ આ મિશન 16 દિવસનું હતું.
કલ્પના 1995 માં નાસામાં અવકાશયાત્રી તરીકે સામેલ થઇ હતી.અને 1998 માં તેને પોતાની પ્રથમ ઉડાન માટે પસંદ કરવામાં આવી હતી. કલ્પનાએ તેના પ્રથમ મિશનમાં 1.04 કરોડ માઇલનો પ્રવાસ કર્યો અને પૃથ્વીની 252 પરિક્રમાઓ કરી અને 360 કલાક અંતરિક્ષમાં વિતાવ્યા. કલ્પનાએ અંતરિક્ષ તરફ પહેલી ઉડાન 19 નવેમ્બર 1997 માં ભરી હતી. ત્યારે તે 5 ડિસેમ્બર 1997 સુધી અંતરિક્ષમાં રહી હતી.
-દેવાંશી