નવી દિલ્હીઃ નવા વર્ષની ઉજવણી વચ્ચે જાપાનમાં આવેલા ભૂકંપથી દેશના 12.5 કરોડ લોકોના મનમાં ભયનો માહોલ છે. ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર 24થી વધારે લોકોના મોતની આશંકા છે. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી પરંતુ હવે ચેતવણી માત્ર સલાહ પુરતી જ સીમિત છે. જ્યારે ઇશિકાવાના વાજિમા પોર્ટ પર 1.2 મીટરથી વધુ ઊંચાઈની સુનામી નોંધાઈ હતી.
જાપાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશભરમાં હજુ પણ ઘણા લોકો લાપતા છે, તેથી એવી આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે. જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ મોડી રાત્રે જણાવ્યું હતું કે માર્ગ બંધ થવાને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ ટીમો પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે તેઓ જાપાનને શક્ય તમામ મદદ કરશે. બિડેને કહ્યું હતું કે, “નજીકના ભાગીદારો હોવાને કારણે, અમેરિકા અને જાપાન વચ્ચે ખૂબ જ ઊંડી મિત્રતા છે, જે આપણા લોકોને એક કરે છે. અમે આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં જાપાની લોકોની સાથે છીએ.”
જાપાન સરકારે 9 પ્રાંતોના લગભગ 97 હજાર લોકોને વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. હાલ લોકોએ રમતગમત સંકુલ અને જીમમાં આશરો લીધો હોવાનું જાણવા મળે છે. હોકુરીકુ ઈલેક્ટ્રિક પાવરની વેબસાઈટ મુજબ ઈશિકાવા પ્રીફેક્ચરમાં મંગળવારે સવારે લગભગ 33 હજાર ઘરો વીજળી વગરના હતા.
ભૂકંપ પછી જાપાનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સૌથી વધુ જોખમમાં છે. આ પહેલા 2011માં સુનામીના કારણે ન્યુક્લિયર પ્લાન્ટને મોટાપાયે નુકસાન થયું હતું. ત્યારે ન્યુક્લિયર રિએક્ટરમાં પાણી પ્રવેશવાને કારણે આખો પ્લાન્ટ જોખમમાં મુકાઈ ગયો હતો. તે રિએક્ટરને આજ સુધી પાણીથી ઠંડુ કરવામાં આવે છે. આ માટે અબજો લિટર પાણીનો ખર્ચ કરવામાં આવ્યો છે. એકવાર પાણી રિએક્ટરના સંપર્કમાં આવે છે, તેને મનુષ્યો અને પ્રાણીઓથી દૂર રાખવામાં આવે છે, કારણ કે તેમાં પુષ્કળ રેડિયેશન હોય છે. 2011ની આફતમાં જાપાનનું આખું શહેર નાશ પામ્યું હતું.