ગાંધીનગરઃ ગુજરાત વાયબ્રન્ટ સમિત 2022ની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત જાપાનના મુંબઈ સ્થિત નવનિયુક્ત કોન્સ્યુલ જનરલ શ્રીયુત ડો.ફૂકહોરી યાસુકાતાએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની આ બેઠકમાં જાપાન કોન્સ્યુલ જનરલે જણાવ્યું કે આગામી વાયબ્રન્ટ સમિટ દ્વારા આત્મનિર્ભર ભારતની નેમને વધુ ગતિએ આગળ ધપાવવામાં જાપાન ગુજરાતમાં મોટાપાયે રોકાણોમાં સહભાગી થશે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે કોરોનાની સ્થિતિ અને ત્યારબાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતની ભૂમિકા મહત્વની બની છે.એફ.ડી.આઇ રોકાણો અને ઉદ્યોગોના વિકાસ માટે ભારતમાં ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકની વિવિધ ચર્ચાઓ દરમિયાન ગુજરાતના સર્વગ્રાહી વિકાસની પ્રભાવક ભૂમિકા આપતા સ્પષ્ટપણે કહ્યું કે જાપાન ગુજરાત સાથે મળીને સ્ટ્રેટેજીકલી કામ કરશે. તો આર્થિક અને ઔદ્યોગિક શકિત તરીકે વિશ્વના અન્ય વિકસિત દેશો કરતા આગળ વધી શકે.
તેમણે જાપાનના પ્રધાનમંત્રીની ભારત-ગુજરાત-અમદાવાદની મુલાકાતની યાદ તાજી કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાતથી ગુજરાતને પણ મહત્તમ લાભનો અનુભવ થયો છે. વિજય રૂપાણીએ કોરોનાના કપરાકાળ વચ્ચે પણ જાપાને સફળતાપૂર્વક ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરીને પોતાની ક્ષમતા વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. જાપાન કોનસ્યુલેટ જનરલએ પણ ગુજરાતના વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેના ઔદ્યોગિક વિકાસથી તેઓ પ્રભાવિત થયાની લાગણી વ્યક્ત કરતા આગામી વાયબ્રન્ટ સમિટમાં જાપાનની સહભાગિતા માટે ઉત્સુકતા દર્શાવી હતી. આ મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન,ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તા, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તેમજ ઇન્ડેક્સ બિના એમ.ડી નીલમ રાની અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. મુખ્ય મંત્રીએ જાપાન કોંસ્યુલેટ જનરલને સ્મૃતિ ભેટ પણ આ અવસરે અર્પણ કરી હતી.