મુંબઈ :ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.ટીમ ઈન્ડિયાનો મેન બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. સમાચાર એજન્સીએ બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.BCCIનું સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે.
જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સીરીઝમાં જ પુનરાગમન કર્યું હતું,તે પહેલા તે ઈજાના કારણે બહાર થઈ ગયો હતો.પરંતુ તે પરત ફર્યા બાદ માત્ર બે જ મેચ રમી શક્યો હતો, તેમજ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં તે પ્લેઈંગ-11માં જોવા મળ્યો ન હતો.જસપ્રીત બુમરાહ ઈજાના કારણે એશિયા કપ-2022માં ભાગ લઈ શક્યો ન હતો અને ભારતીય ટીમ સુપર-4 સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી.
ન્યૂઝ એજન્સી અનુસાર, જસપ્રિત બુમરાહની ઈજા ગંભીર છે અને તે લગભગ 4 થી 6 અઠવાડિયા સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહી શકે છે.સમાચાર એજન્સીએ બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને જસપ્રીત બુમરાહના ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થવાની પુષ્ટિ કરી છે.
કમરની સમસ્યાને કારણે જસપ્રીત બુમરાહ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી20 મેચ પણ રમી શક્યો ન હતો. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમસ્યા વધુ ગંભીર છે અને તે ફ્રેક્ચર જેવી હોઈ શકે છે, જેના કારણે જસપ્રિત બુમરાહને લગભગ 6 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેવું પડી શકે છે.