નવી દિલ્હીઃ છત્તીસગઠના રાયપુર સ્થિત એક ફેકટરીમાં જેસીબીના વ્હાલમાં હવા ભરતી વખતે અચાનક ટાયર ફાટ્યું હતું. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં બે શ્રમજીવીઓના મૃત્યુ થયાં હતા. સમગ્ર ઘટના ફેકટરીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાયપુરના સિલતરા વિસ્તારમાં આવેલી એક ફેકટરીમાં જેસીબી મશીનનું ટાયર કાઢીને એક કર્મચારી તેમાં હવા ભરી રહ્યો હતો.શ્રમજીવી જેસીબીના વિશાળ ટાયર ઉપર બેસીને હવા ભરી રહ્યો હતો ત્યારે તેની પાસે અન્ય એક વ્યક્તિ પણ ઉભી હતી. દરમિયાન અચાનક ટાયર ફાટતા બંને શ્રમજીવીઓને હવામાં ફંગોળાઈને દૂર પટકાયાં હતા. આ દૂર્ઘટનામાં બંને શ્રમજીવીઓના મોત થયાં હતા. આ બનાવમાં રાજપાલસિંહ અને પ્રાંજન નામદેવ નામના બે યુવાનોના મૃત્યુ થયાં હતા. ટાયર ફાટતા નજીકમાં કામ કરતા અન્ય કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બંને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. પોલીસે સમગ્ર ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.