નવી દિલ્હી: જેડીયુના વરિષ્ઠ નેતા નીતિશ કુમાર સાતમી વખત રવિવારે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ લેશે. ભાજપની સાથે તેમની દોસ્તી પાકી થઈ ગઈ છે. સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જાણકારી આપવામાં આવી છે કે જૂની ફોર્મ્યુલા પર જ નવી સરકારની રચના થશે. નવી સરકારમાં ભાજપ કોટામાંથી બે નાયબ મુખ્યમંત્રીઓ સામેલ કરી શકાય છે. મહત્વપૂર્ણ છે કે સુશીલ મોદીને હટાવાયા બાદ બિહારમાં ભાજપના બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા આપી હતી.
સૂત્રોનું કહેવું છે કે જનતાદળ યૂનાઈટેડ પ્રમુખે 28 જાન્યુઆરી માટે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે. નીતિશ કુમાર રવિવારે મહારાણા જયંતીના પ્રસંગે એક જાહેરસભા સંબોધિત કરવાના હતા.
આના પહેલા બિહારમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ પર સુશીલ કુમાર મોદીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે રાજકારણમાં ક્યારેય પણ કોઈ માટે દરવાજા હંમેશા માટે બંધ થતા નથી. જરૂરત પડા પર તેને ખોલવામાં આવે છે.
લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણી કરાવવાની નીતિશ કુમારની શરત પર હાલ સસ્પેન્સ બનેલો છે. મહત્વપૂર્ણ છે કે નીતિશ કુમારે મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને આરજેડી પાસે પણ આ માગણી કરી હતી. જો કે તેમણે જેડીયુની શરતોને માનવાનો ઈન્કાર કર્યો હતો. ભાજપનું આ મામલે શું સ્ટેન્ડ હશે, તેના પર સૌની નજર મંડાયેલી છે.
બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુશીલ મોદીએ દિલ્હીથી પટના રવાના થતા પહેલા કહ્યુ હતુ કે રાજનીતિમાં દરવાજો કાયમ માટે બંધ થતો નથી. જો દરવાજો બંધ છે, તો ખુલી પણ શકે છે. રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે, કંઈપણ થઈ શકે છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, બિહારમાં જો નવી સરકાર બને છે, તો સુશીલ મોદીને નાયબ મુખ્યમંત્રી બનાવી શકાય છે. આરજેડી જેડીયુના ગઠબંધન પહેલા જેટલા પણ મંત્રાલય ભાજપના કોટામાં હતા, તેને ભગવા ખેમાને ફરીથી આપવામાં આવે તેવી શક્યતા છે. આ દરમિયાન અહેવાલ છે કે જેડીયુએ પોતાના તમામ ધારાસભ્યોને પટના બોલાવી લીધા છે.