Site icon Revoi.in

પેપરલિકકાંડનો મુખ્ય સૂત્રધાર જીત નાયકને હૈદરાબાદથી ગુજરાત લવાયો, મહત્વની કડી મળશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પંચાયત પસંદગી મંડલ દ્વારા જુનિયક ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફુટી જતાં ભારે હોબાળો મચી ગયો છે. આ કેસમાં ગુજરાત એન્ટી ટેરર સ્ક્વોડ (Gujarat ATS) દ્વારા ત્વરિત તપાસ હાથ ધરીને 16 જેટલાં આરોપીઓને દબોચી લીધા હતા. જેમાં  હૈદરાબાદથી પકડાયેલા મુખ્ય આરોપી જીત નાયકને સોમવારે વહેલી સવારે ગુજરાત લાવવામાં આવ્યો છે. વડોદરામાં ATS દ્વારા પેપર લઈને આવેલા શખ્સની ધરપકડ બાદ જીત નાયક સહિત 16ની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 5 આરોપીઓ ગુજરાતના જ્યારે 11 આરોપીઓ ગુજરાત બહારના છે. આરોપી જીત નાયક પાસેથી મહત્વની કડીઓ મળવાની શક્યતા છે. પેપર ક્યા છપાવવાના છે.તેની માહિતી ખાનગી એજન્સી દ્વારા કેવી રીતે લીક થઈ અને એમાં કોણ સંડોવાયું છે, તેની તપાસ ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ATSની ટીમ પેપર હૈદરાબાદની કેએલ હાઈટેક પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાની વિગતો અને  ત્યાં કામ કરતા જીત નાયકની સંડોવણી હોવાની વિગતો મળતા તેની રવિવારે હૈદરાબાદથી ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપી જીત નાયકને સોમવારે વહેલી સવારે એટીએસની ટીમ ગુજરાત લઈને પહોંચી છે. હવે આરોપી જીતની પૂછપરછમાં વધુ કેટલાક મહત્વના ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જુનિયર ક્લાર્કના પેપર છપાયા તે હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાં લેબર તરીકે કામ કરતા જીતે પેપર લીક કરીને તે તેના સગા પ્રદીપ નાયકને આપ્યું હતું. આ પછી પ્રદીપે પેપર બિહારના મુરારી પાસવાનને પેપર આપ્યું હતું. મોરારી અને પીન્ટુ રાય નામનો શખસ ગુજરાતની પેપર ફોડ ટોળકીના સંપર્કમાં હતો. આ પછી પેપરને હૈદરાબાદમાં ફોડ્યા બાદ બિહાર થઈને ગુજરાતમાં લાવવામાં આવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, 30મીએ 11 વાગ્યે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની હતી. જોકે, પરીક્ષા યોજાય તે પહેલા જ પેપર લઈને વડોદરામાં બેઠેલા ગઠીયાઓને ગુજરાત એટીએસની ટીમે દરોડા પાડીને પકડી પાડ્યા હતા. આ પછી આ પેપર ફોડની ઘટનાના તાર ગુજરાત બહાર જોડાયેલા હોવાની વિગતો મળી હતી. જેના આધારે તપાસ કરીને જીતને તેલંગાણામાંથી દબોચી લેવામાં આવ્યો હતો. પેપર ફોડ્યા બાદ આરોપીઓ 15 દિવસથી તે લઈને ફરતા હતા પરંતુ તેમને કોઈ ખરીદનાર મળતું નહોતું, આ પછી છેલ્લી ઘડીએ તેઓ પેપર વેચવાની ફિરાકમાં હતા અને ઝડપાઈ ગયા હતા. ખરીદનારની શક્તિ જાણીને પેપર 5 લાખથી 15 લાખ સુધીની કિંમતે વેચવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. મહત્વની બાબત એ છે. કે, ગુજરાતમાં પુરતી વ્યવસ્થા હોવા છતાં બહારના રાજ્યમાં ખાનગી પ્રિન્ટિંગ પ્રેસને પેપર છાપવાનું કામ કેમ સોંપવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં ખાનગી એજન્સીના કર્મચારીઓ સંડોવાયા છે કે કેમ તે તપાસનો વિષય છે.