Site icon Revoi.in

એમેઝોન કંપનીની કમાન સંભાળશે એન્ડી જેસી, જેફ બેઝોસએ કરી રાજીનામાની જાહેરાત

Social Share

એમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેફ બેઝોસે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તે આ વર્ષના અંત સુધીમાં પદ છોડશે. એમેઝોને મંગળવારે જાહેરાત કરી હતી કે, AWSના સીઈઓ એન્ડી જેસી આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં જેફ બેઝોસની જગ્યા લેશે. આ સાથે જેફ બેઝોસને કહેવામાં આવ્યું છે કે, તે બોર્ડના કાર્યકારી અધ્યક્ષ રહેશે. બેઝોસે તેના કર્મચારીઓને એક પત્ર લખીને તેમને આ નિર્ણય વિશે માહિતી આપી હતી. મંગળવારે લખેલા પત્રમાં તેમણે કહ્યું છે કે, તેઓ કંપનીમાં સીઈઓની ભૂમિકા છોડી રહ્યા છે. જેસી હાલમાં એમેઝોન વેબ સર્વિસના પ્રમુખ છે.

બેઝોસે એમેઝોનની શરૂઆત સ્ટાર્ટઅપ તરીકે કરી હતી, અને હવે આ કંપની વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક બની ગઈ છે. જેફ બેઝોસ એમેઝોનમાં તેના હિસ્સાના આધારે વિશ્વના સૌથી ધનિક છે. કંપનીએ 2020 ના છેલ્લા ત્રણ મહિનામાં 100 અબજ ડોલરનું વેચાણ કર્યું હતું. જેના કારણે એમેઝોનનો નફો રેકોર્ડ સ્તરે વધ્યો હતો.

જેફ બેઝોસે 1994 માં એમેઝોનની સ્થાપના કરી હતી. એક ઓનલાઇન બુક સ્ટોરમાંથી એમેઝોન આજે મેગા ઓનલાઇન રિટેલરમાં પરિવર્તિત થઈ ગયું છે. જે વિશ્વભરમાં તમામ પ્રકારના ઉત્પાદનોનું વેચાણ કરે છે. એમેઝોને કરિયાણા, સ્ટ્રીમિંગ સેવાઓ, ટીવી, ક્લાઉડ કમ્પ્યુટિંગ, રોબોટિક્સ, આર્ટીફિશિયલ ઇન્ટેલીજેન્સ સહિતના ઘણા ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે.

બેઝોસે તેની કંપનીના કર્મચારીઓને પત્ર લખીને જણાવ્યું હતું કે, તે ‘એમેઝોનના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ’ સાથે સંકળાયેલા રહેશે, પરંતુ હવે તેનું ધ્યાન તેમની પરોપકારી પહેલ એટલે કે કલ્યાણકારી યોજનાઓ ડે વન ફંડ અને બેઝોસ અર્થ ફંડ પર રહેશે. બેઝોસે કંપનીમાં તેની નવી ભૂમિકા માટે એન્ડી જેસી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બેઝોસ એમેઝોન સિવાય વોશિંગ્ટન પોસ્ટ ન્યૂઝપેપર અને ખાનગી સ્પેસ કંપની બ્લુ ઓરિજિનના પણ માલિક છે.

-દેવાંશી