Site icon Revoi.in

પાવાગઢનાં સાંનિધ્યમાં વિકસાવાયું જેપુરા-વન કવચ, વિવિધ જાતિના 11 હજાર વૃક્ષો ઉછેરાયાં

Social Share

હાલોલઃ  રાજ્યમાં 74મા રાજ્યકક્ષાના વન મહોત્વસની ઉજવણી નિમિત્તે યાત્રાધામ પાવાગઢનાં સાંનિધ્યમાં સેંકડો વૃક્ષોનો ઉછેર કરી જેપુરા-વન કવચ બનાવવામાં આવ્યું છે. સાથે જ હાલોલ વન વિભાગ દ્વારા અહીં ક્રોકોડાઇલ રેસ્ક્યૂ સેન્ટર પણ બનાવાયું છે. જેનો મનમોહી લે તેવો ડ્રોન નજારો સામે આવ્યો છે. વન કવચ અને ક્રોકોડાઇલ રેસ્ક્યૂ સેન્ટરનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયુ હતુ. જેપુરા-વન કવચનું નિર્માણ 1.1 હેક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. અને 11 હજાર વૃક્ષો ઉછેરાયા છે.

રાજ્યમાં સાંસ્કૃતિક વનોના નિર્માણની આ પ્રવત્તિ થકી ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત સંકલ્પને સાકાર બનાવવા માટે વર્ષ 2004થી 2022 સુધીમાં રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ 22 સાંસ્કૃતિક વનોની સ્થાપના કરવામાં આવી છે. જેમાં પાવાગઢ ખાતે 74મા વન મહોત્સવની ઉજવણી પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે અત્રે બનાવવમાં આવેલા વન કવચનું લોકાર્પણ કર્યું હતું. વન વિભાગ દ્વારા ખૂબ ટૂંકાગાળામાં અહીં કૃત્રિમ વન ઊભું કરવામાં આવ્યું છે. અહીં વનમાં 100થી વધુ પ્રકારના 11000 જેટલા નેટિવ પ્લાન્ટનું વાવેતર કરવામાં આવ્યું છે. આ તમામ પ્લાન્ટો વન વિભાગની નર્સરીઓમાંથી લાવવામાં આવ્યા છે. એક હેક્ટરથી વધારે જમીનમાં બનાવવામાં આવેલા આ વન કવચને મિયાવાકી પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે પદ્ધતિથી વન નિર્માણ કરવામાં આવ્યું છે તે પદ્ધતિથી અહીં જમીન તૈયાર કરવામાં આવી હતી અને તેમાં 11,000 જેટલા પ્લાન્ટનું વાવેતર કરીને જંગલ બનાવવામાં આવ્યું છે.

વન વિભાગના મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, 74મા વનમહોત્વસની ઉજવણી ભાગરૂપે પાવાગઢનાં સાંનિધ્યમાં જેપુરા ખાતે વન કવચનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. વન મહોત્વસએ લોક ઉત્સવ છે. 2004ના વર્ષથી અલગ રીતે વન મહોત્સવની ઉજવણી દરેક જિલ્લામાં ઊજવવાનું શરૂ કરાયું છે. જેના થકી ગુજરાતના દરેક ગામડા સુધી આ મહોત્સવ પહોંચ્યો છે. દ્વારકા જિલ્લાના ગાંધવી ગામે હરસિદ્ઘિ માતાજીના મંદિરની નજીક ગાંધવી ગામે પાંચ હેક્ટર વિસ્તારમાં હરસિદ્ઘિ વન નિર્માણ કરવાનો નિર્ણય કરાયો છે. જેનું પણ આજે અહિંથી ઇ-ખાતમુહુર્ત કરવાનું છે. રાજ્યમાં પ્રથમવાર દુર્ગમ વિસ્તારોમાં ચેરના વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યની આબોહવાને ધ્યાને લઈ વન કવચમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 10.40 કરોડ જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવશે. વન વિભાગ દ્વારા દુર્ગમ વિસ્તારોમાં ડ્રોન વડે પણ વાવેતર કરવામાં આવી રહ્યું છે. પર્યાવરણની રક્ષા માટે લોકોને સંકલ્પ લેવા આહવાન કર્યુ હતું.