રાજકોટઃ જેતપુરના ડાઈંગ-પ્રિન્ટિંગ ઉદ્યોગનું દૂષિક પાણીનો પ્રશ્ન ગણા સમયથી માથાના દુઃખાવારૂપ બનતો જાય છે. કારણ કે નદીમાં પાણી છોડવામાં આવતું હતું તેથી કેમિકલયુક્ત લાલપાણી ખેતીને નુકશાન કરતું હોવાની પણ વ્યાપક ફરિયાદો ઊઠી હતી. જેતરપુર આજુબાજુના વિસ્તારોમાં તળના પાણી પણ પ્રદૂષિત બની રહ્યા છે. આખરે આ પ્રશ્નનો કાયમી નિકાલ લાવવા માટે ડાઈંગ અને પ્રિન્ટીંગ ઉદ્યોગના કેમિકલયુક્ત પાણીને પાઈપ લાઈન મારફતે પોરબંદરના દરિયામાં છોડવા માટે 500 કરોડ કરતા વધારેના પ્રોજેક્ટને રાજ્ય સરકાર દ્રારા મંજુરી આપી દેવામાં આવી છે. ત્યારે આ પ્રોજેક્ટને રદ્દ કરવા માટે પોરબંદરની રાજકીય અને સામાજીક તેમજ વ્યાપારિક સંસ્થાઓ દ્વારા ભારે વિરોધ ઊભો થયો છે. કાલે 2જી ઓક્ટોબરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યાં છે, ત્યારે પોરબંદર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવા માટે સમય ફાળવવા માટે કલેક્ટરને પત્ર લખીને માંગ કરવામાં આવી છે.
પોરબંદર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જેતપુરના ડાઈંગ-પ્રિન્ટિંગનું ઉધોગનું પાણી પોરબંદરના દરિયામાં છોડવાની કાર્યવાહી મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને રજુઆત કરવામાં આવશે. જેના માટે બીજી ઓક્ટોબરના રોજ પોરબંદર આવી રહેલા મુખ્યમંત્રીને મળવા અને સમય ફાળવે તે માટે જિલ્લા કલેકટરને પત્ર લખી માંગણી કરવામાં આવી છે.
યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમારે જિલ્લા કલેકટરને પત્ર લખી એવી રજુઆત કરવામાં આવી હતી કે, જેતપુરના ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં છોડવામાં આવશે. અને તે બાબતે ઉચ્ચકક્ષાએ કાર્યવાહી ચાલી રહી છે. આ પાણી પોરબંદરના દરિયામાં છોડવામાં આવશે તો માછીમારો અને પોરબંદરવાસીઓ બરબાદીના ખપ્પરમાં હોમાય જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. જે અંગે મુખ્યમંત્રીને આ બાબતે યોગ્ય નિર્ણય કરવા માટે રૂબરૂ રજુઆત કરી પ્રશ્નનો ઉકેલ આવે તે માટે આવેદન પાઠવવું છે. જેથી ગાંધી જયંતિ નિમિતે પોરબંદર ખાતે આવી રહેલા મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરી શકીએ, તે માટે મંજુરી આપવા અને મુખ્યમંત્રીનો કિંમતી સમય ફાળવવા વિનંતી કરવામાં આવી છે. આ તકે જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમાર, શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ હરીશ કોટીયા, કિશોર ગરેજા તેમજ ચિરાગ ડાભી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.