નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદ અને નકસલી પ્રવૃતિને નાથવા માટે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે દરમિયાન ઝારખંડમાં 2019થી 2022 સુધીના 3 વર્ષના ગાળામાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં કુલ 51 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હતા. જ્યારે ઘણા ટોચના કમાન્ડરો સહિત 1526 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યના પોલીસ મહાનિર્દેશક નીરજ સિન્હાએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોની કાર્યવાહીમાં છેલ્લા 3 વર્ષમાં વિવિધ એન્કાઉન્ટરમાં કુલ 51 નક્સલવાદીઓ માર્યા ગયા છે. સિન્હાએ કહ્યું કે ધરપકડ કરાયેલા નક્સલવાદીઓમાં એક પોલિટ બ્યુરો મેમ્બર, એક સેન્ટ્રલ કમિટિ મેમ્બર, ત્રણ સ્પેશિયલ એરિયા કમિટીના મેમ્બર, એક રિજનલ કમિટિ મેમ્બર, 12 ઝોનલ કમાન્ડર, 30 સબ-ઝોનલ કમાન્ડર અને 61 એરિયા કમાન્ડરનો સમાવેશ થાય છે.
તેમણે વધુમાં કહ્યું કે, નક્સલવાદીઓ સામેની કાર્યવાહીમાં સુરક્ષા દળો દ્વારા કુલ 136 પોલીસ હથિયારો, 40 નિયમિત હથિયારો, 590 દેશી બનાવટના શસ્ત્રો, 37541- કારતૂસ, 1048-આઈઈડી અને 9616 ડિટોનેટર પણ મળી આવ્યા હતા. આમ નક્સલવાદી પાસેથી મોટી માત્રામાં મોતનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ નક્સલવાદી પ્રવૃતિને નાથવા માટે અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે.
નીરજ સિન્હાએ વધુમાં જણાવ્યું હતું કે, નક્સલવાદીઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે રચવામાં આવેલી શરણાગતિ અને પુનર્વસન નીતિની પણ સકારાત્મક અસર પડી છે, જે અંતર્ગત કુલ 57 ટોચના નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. વર્ષ 2022માં ઝારખંડ રાજ્યમાં કાર્યરત ઉગ્રવાદી સંગઠનોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સના રૂપમાં સાયબર સર્વેલન્સ સેલની રચના કરવામાં આવી છે.